ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે મોરબી અને માળીયાના 30 ગામોને એલર્ટ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દરરોજ માત્ર વરસાદી ઝાપટા જ પડી રહ્યા છે જ્યારે મોરબી આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો નથી તેમ છતાં મોરબીવાસીઓની જીવાદોરી ગણાતો મચ્છુ-2 ડેમ હવે ઓવરફ્લો થવાની સ્થિતિએ પહોંચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ-2 ડેમની જળ સપાટી સતત વધી રહી છે ત્યારે હવે મોરબીનો મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાઈ ગયો હોવાનું સતાવાર જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
33 ફૂટની ઉંચાઈ ધરાવતા મચ્છુ-2 ડેમની હાલ જળસપાટી 29.79 ફૂટે પહોંચી છે તો કુલ 3104.40 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ડેમમાં અત્યારે 2484.38 એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે. આ ડેમમાં 379 ક્યુસેક પાણીની આવક હોય આ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ હોવાથી હેઠવાસના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોરખીજડિયા, માનસર, જુના અને નવા સદુળકા, રવાપર નદી, ગુંગણ, નવા અને જૂના નાગડાવાસ, નારણકા, બહાદુરગઢ, સોખડા, અમરનગર એમ મળીને મોરબીના 20 ગામો તેમજ માળીયાના વીર વિદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરિપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળીયા અને રાસંગપર ગામને એલર્ટ કરીને લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.