જૂન સુધીમાં રિનોવેશન પૂર્ણ કરી દેવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી ઐતિહાસિક ધરોહરની બાબતમાં મહત્વનું શહેર છે. શહેરની સ્થાપનાથી લઈ આઝાદી સુધી આ શહેરની એક અલગ ઓળખ હતી. તમામ રાજાઓ દ્વારા તેમના શાસનમાં મોરબીને વિકાસ બાબત હોય કે ઐતિહાસિક ધરોહર આપવાની જરૂર હોય રાજવી પરિવાર દ્વારા તે પૂર્ણ કરી હતી. યુરોપિયન દેશોના વિકાસ અને વિરાસતથી અત્યંત પ્રભાવિત એવા મોરબીના વાઘજી ઠાકોરે મોરબીને યુરોપિયન દેશોની હરોળમાં લાવવા તમામ પ્રયત્ન કર્યા હતા.ભવ્ય ઇમારતની વાત કરીએ તો નજરબાગ પેલેસ,દરબાર ગઢ, ગ્રીન ચોક ગેટ, નગર દરવાજા,ગઢની રાંગ વિસ્તાર તેમજ જયપુર શહેરની માફક મોરબી બજારને પણ જે તે સમયે તૈયાર કરી હતી તો આજના સમયમાં મણી મંદિર તરીકે પ્રસિધ્ધ વાઘ મહેલ પણ રાજવી પરિવારની ભેટ છે. આઝાદી પછી આ મહેલમાં સરકારી કચેરી બેસતી હતી.1979 ઓગસ્ટના જળ પ્રલય અને 2001માં ધરતી કંપને કારણે આ વાઘ મહેલ ક્ષતિ ગ્રસ્ત થયો હતો.
- Advertisement -
જેને રાજવી પરિવાર દ્વારા ફરી એકવાર નવ નિર્માણ કરાવ્યું હતું. બે વર્ષ પહેલાં લોકો આ વિરાસતને જોઈ શકે અને ઇતિહાસથી વાકેફ થાય તે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જો કે કેટલાક તોફાની તત્વોએ તેને નુકસાન કરતાં આ મહેલને લોકદર્શન માટે ફરી બંધ કરવો પડ્યો હતો.અને નુકશાન થયેલી જગ્યાને ફરી રિપેર કરવામાં આવી રહી છે. અને આગામી બે થી ત્રણ મહિનામાં આ રિનોવેશન કામ પૂર્ણ થઇ જાય અને લોકો રાજસ્થાનની જેમ જ મહેલની અંદરની કૃતિઓ, વૈભવ માણી શકશે તેવી પ્રબળ શક્યતા છે આ રીનોવેશનની સાથે સાથે આ મણી મંદિરને ઐતિહાસિક મ્યુઝીયમ તરીકે વિકસાવવામાં આવશે.