ગેસના વધતા ભાવ, ડીઝલના કારણે ભાડા વધારો થતાં મોરબીનાં સિરામિકનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે તો બીજી તરફ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ ઘટતા સ્ટોક ખૂબ વધી ગયો છે. આ ડિમાન્ડ અને સપ્લાયની ચેન ફરીથી વ્યવસ્થિત થાય તે માટે ઔદ્યોગિક નગરી મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ પ્રથમવાર સ્વૈચ્છીક રીતે એક મહિના સુધી ફેકટરી બંધ કરી વેકેશન રાખવાની જાહેરાત કરી હતી જેના પગલે આજથી 30 દિવસ સુધી મોરબીના 800 થી વધુ સિરામીક એકમ પ્રોડક્શન સંપૂર્ણ પણે બંધ કરી દેશે તેમજ રો મટિરિયલ સપ્લાય પણ બંધ થઈ જશે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ એક માસ સુધી બંધ રહેતા પરપ્રાંતિય મજૂર તેના વતનમાં પરત ફરી ખેતીકામ તરફ વળશે જો કે મોરબી જિલ્લાના સ્થાનિક મજૂરો બેકાર થાય તેવી સંભાવના વધી છે તો બીજી તરફ આગામી 15 ઓગસ્ટથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ એક મહિનાની હડતાળ પર ઉતરતાં 5000 થી વધુ ટ્રકના પૈડાં થંભી જશે અને તેના કારણે 10 હજારથી વધુ લોકો પણ બેકાર થવાની સંભાવના છે. આ ઉપરાંત પરિવારમાં કમાનાર એક કે બે વ્યક્તિ હોય અને એક મહિનો પગાર ન આવે અને એ પણ તહેવારના સમયે પગાર ન આવે તો ઘરનું બજેટ વેરવિખેર થવાની સાથે તહેવારો બગડે છે એટલે કરીયાણાના વેપારી તેમજ સોના ચાંદીના વેપારીને પણ અસર થશે. સીરામીકનો બેન્કમાં અને આંગડિયામાં કરોડોનો વહીવટ થતો હોય આ ટર્નઓવર અટકી જતા બેંકો અને આંગડિયા સહિતની પેઢીને પણ અસર થશે.