મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બે દિવસની ઝુંબેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
મોરબીના મુખ્ય બજાર વિસ્તાર નગર દરવાજા અને નેહરુ ગેટ પર ટ્રાફિકની સમસ્યાને અંકુશમાં લેવા માટે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થતી હોવાથી પોલીસે ખાસ બે દિવસની ડ્રાઇવ શરૂ કરી છે.
- Advertisement -
ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને આડેધડ રિક્ષા પાર્ક કરતા 35 રિક્ષાચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેવા રિક્ષાચાલકો સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. પરાબજાર, મેઈન રોડ અને નહેરુ ગેટ જેવા વ્યસ્ત વિસ્તારોમાં રિક્ષાચાલકો પેસેન્જરને બેસાડવા કે ઉતારવા માટે મન ફાવે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાતો હતો. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલા અને પીએસઆઈ ડી.બી. ઠક્કરની ટીમે રિક્ષાચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરી છે, જે હજુ એક દિવસ સુધી ચાલુ રહેશે. આ ઝુંબેશનો હેતુ નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવાનો છે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનો છે.