વેપારી યુવક પાસે 12 લાખની બળજબરી પૂર્વક ઉઘરાણી કરી દુકાનમાં તોડફોડ આચરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબીમાં વ્યાજખોરોએ માજા મૂકી છે તો બેફામ બનેલા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજખોરો વધુ માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે.
- Advertisement -
મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલા દુકાનવાળા જીગાભાઈ સાથે વ્યાજ વટાવ તથા મારામારીની ફરીયાદ થઈ હતી જેમાં જીગાભાઈ સાથે સાડા પાંચ લાખમાં સમાધાન થતા જે પૈસા કઢાવવા જીગાભાઈએ આરોપીને કહેતા આરોપીઓએ વેપારી યુવક પાસે 12 લાખની બળજબરી પૂર્વક ઉઘરાણી કરી વેપારીની દુકાનમાં તોડફોડ કરી પાઈપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ પર આવેલા વિશ્વકર્મા પાર્ક બ્લોક નં.8 માં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઇ મોહનભાઈ કુધનાણી (ઉ.વ.38) એ આરોપી ભોલો ઉર્ફે મોઇન કાદરભાઇ ઘાચી રહે વાવડી રોડ મોરબી, તનવીર અબ્દુલભાઇ મતવા રહે કાલિકા પ્લોટ મોરબી, ફારુક રફીકભાઇ શેખ રહે કાલીકા પ્લોટ મોરબી, ઇજમામ સમસાદભાઇ પઠાણ રહે ઘાચી શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને ચાર પાંચ મહીના પહેલા તેની બાજુમાં આવેલી મહાવીર દુકાનવાળા જીગાભાઇ સાથે વ્યાજ વટાવ તથા મારામારીની ફરીયાદ થઈ હતી જેમાં જિગાભાઇ સાથે સાડા પાંચ લાખમાં સમાધાન થયું હતું અને આ જીગાભાઇએ ભોલો ઉર્ફે મોઇન ને ફરીયાદી પાસે પૈસા કઢાવવા માટે કહેલ પરંતુ ફરીયાદીને સમાધાન થતા મોઇન ઉર્ફે ભોલાએ જીગા ભાઇ પાસે પૈસા માંગ્યા હતા જે ન આપતા ફરીયાદીને વારંવાર અલગ અલગ ફોન નંબર પરથી ફોન કરી તથા રૂબરૂ આવી બળજબરી પુર્વક 12 લાખ રૂપીયા આપવા ટાંટિયા ભાગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, આ દફિં માત્ર ધમકીથી પતી નહોતી. ફરીયાદીએ આ પૈસા ન આપતા આરોપીઓએ દુકાનમાં બળજબરીથી પ્રવેશી ઢીકાપાટુનો માર માર્યો તથા દુકાનમાં નુકસાન કરી ફરીયાદીને લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. જેથી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવવાની કોશિશ કરતા વેપારી યુવકે આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.