14મી નવેમ્બરની મુદ્દત પડી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની હોનારતમાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી, જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલાં પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે. આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.
- Advertisement -
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો હતો પત્ર
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ચીફ જસ્ટિસને સુઓમોટો લઈ ફરિયાદ કરવા વિનંતી કરી હતી. તેમનું કહેવું હતું કે, ઈન્કવાયરીથી કશું નહીં વળે. હાઇકોર્ટે ખુદ સુઓમોટો દાખલ કરવી પડશે તો જ જનતામાં વિશ્વાસ બંધાશે.
ઝૂલતા પુલ હોનારત મામલે ‘ખાસ ખબર’નાં અહેવાલ સત્ય ઠર્યા
મોરબીમાં ઝૂલતા પુલ હોનારતની થોડી જ ક્ષણોમાં ’ખાસ-ખબર’ દ્વારા સમગ્ર મામલે જવાબદાર ઓરેવાના જયસુખ પટેલ સામે માનવવધની કલમ હેઠળ ગુનો નોંધવાના સમાચાર પ્રગટ કર્યા હતા. મોરબી ઝૂલતા પુલ હોનારત ઘટયાના છેલ્લા સાત દિવસથી વિવિધ પુરાવાઓ સાથેના વિસ્તૃત અહેવાલ ખાસ-ખબર પ્રગટ કરી મૃતકો-ઘાયલોને ન્યાય અને જવાબદારને સજા થાય તે માટે અખબારી ધર્મ નિભાવી રહ્યું છે. ઝૂલતા પુલ હોનારત જઘન્ય હત્યાકાંડ પાછળ ઓરેવા ગ્રુપ અને તેના માલિક જયસુખ પટેલ મુખ્ય ગુનેગાર છે તે સ્પષ્ટ છે ત્યારે આ સમગ્ર મામલે ’ખાસ-ખબર’ના વિવિધ અહેવાલ સત્ય ઠર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલનું નામ ગાયબ હોય તેને બચાવવાના પોલીસ-પ્રશાસન દ્વારા પ્રયાસો થઈ રહ્યા હોવાના પગલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને નોટિસ ફટકારી હોવાની ચર્ચા થઈ રહી છે.
મોરબી દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે: SP રાહુલ ત્રિપાઠી
મોરબી દુર્ઘટનાને 7 દિવસ વીતી ગયા હોવા છતા ઓરેવા કંપનીના જયસુખ પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે આ અંગે મોરબી જિલ્લાના જઙ રાહુલ ત્રિપાઠી સાથે ખાસ ખબરે વાતચિત કરતા જણાવ્યું હતું કે, હાઈકોર્ટ પોતાની રીતે આ કેસ મુદ્દે સુઓમોટો દાખલ કરી શકે છે તે તેનો અંગત નિર્ણય છે. જ્યારે જયસુખ પટેલ વિશે કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ હજુ પૂર્ણ નથી થઈ. તપાસ હજુ ચાલુ જ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, ઘટનાને 7 દિવસ વીતી ગયા છતા મોરબી જિલ્લા પોલીસ ઓરેવા કંપનીના જયસુખ પટેલને હજુ પકડી નથી શકી.
- Advertisement -
મોરબી ઝૂલતા પુલ કેસમાંથી જયસુખ પટેલનું નામ કેમ ગાયબ?
મોરબી પુલ હોનારતમાં પુલનું સમારકામ અને સંચાલનની જવાબદારી ધરાવનારી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ સરકારે આ કેસના આરોપી તરીકે મૂક્યું નથી તે મોટું આશ્ચર્ય છે. મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. ભાજપને ચિંતા છે કે જો જયસુખ સામે કોઇ પગલાં લેવાશે તો સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તેવી મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાની ઓછામાં ઓછી 12 બેઠકો પર તેમને સામી ચૂંટણીએ નુક્સાન જશે.
ચૂંટણી ટાણે જયસુખ પટેલ સર્જી શકે છે સરકાર માટે સમસ્યાઓ
સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર પછી કડવા પાટીદાર પણ ભાજપને સમર્થન કરતી જ્ઞાતિ છે. જયસુખ પટેલે પોતાના દાન થકી કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓને ઊભી કરી છે અને જયસુખ પટેલ સમાજના મોભી અને મોટા દાતા તરીકે ઓળખાય છે. આ સંજોગોમાં તેમનું જયસુખ પટેલ માટે સીધું સમર્થન છે, જો સરકાર જયસુખ પટેલને ન્યાયાલયના કઠેડામાં લાવીને ઊભા કરી દે તો ભાજપને તકલીફ પડી જાય તેમાં સંદેહ નથી. જયસુખ પટેલ પોતે પણ આ ઘટનાને લઇને ભાજપ સરકાર સામે ગુસ્સે ભરાયેલા છે. તેઓ ભવિષ્યમાં કોર્ટ સામે હાજર થશે, તો તેઓ સરકાર વિરોધી જુબાની આપી શકે છે.
ચીફ ઓફિસરની બેદરકારી સાબિત થતી હોવાથી સસ્પેન્ડ
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો, એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ, એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો, જેથી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બેદરકારી સાબિત થતી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.