મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે. મહત્વનું છે કે, આજે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં મોરબીથી સ્વજન ગુમાવનાર પરિવારોમાંથી ઘણા લોકો ત્યાં હાજર રહેશે. આ ઘટનામાં આરોપી રાજા હોય કે રંક, અધિકારી હોય કે પછી જયસુખભાઇ પટેલ જે કોઇપણ હોય તેને આકરી સજાની ટ્રેજેડી વિકટીમ એસો.ના સભ્યો માંગ કરી રહ્યા છે.
ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ
આજથી બરોબર એક વર્ષ પહેલા એટલે કે મોરબીમાં તારીખ 30/10/2022 ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે. જોકે હજુ સુધી આ ગોજારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.
- Advertisement -
ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભા
આજે તારીખ 30/10/2023 ના રોજ ઝુલતા પલ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ હયું છે. આ તરફ ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે અને આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે.
મૃતકોના પરિજનોને સંતોષકારક ન્યાયની આશા
હાલમાં ઝુલતા પુલ ઘટનામાં ન્યાય માટે ટ્રેજેડી વિકટીમ એસોસિએશન બનાવવામાં આવેલ છે. આ તરફ ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં કાયદાકીય જંગ કરવામાં આવી રહ્યો છે. જોકે આજથી એક વર્ષ પહેલા જુલતા પુલ દુર્ઘટનામાં જે પરિવારોએ તેના કુલ મળીને 135 સભ્યોને ગુમાવ્યા છે તે પરિવારોને સંતોષકારક ન્યાય ક્યારે મળશે તે આજની તારીખે પણ સો મણનો સવાલ છે. ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતભરમાં જે દુર્ઘટનાની નોંધ લેવામાં આવી હતી અને વિદેશમાં પણ જે દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી હતી તે ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ એટલો લાંબો સમયગાળો વીતી ગયો છે. તેમ છતાં પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ તે હજી સ્પષ્ટ થયું નથી અને પરિવારોને સંતોષકારક ન્યાય મળ્યો નથી ત્યારે પરિવારના સભ્યો ગુમાવનાર લોકોની આંખો આજની તારીખે પણ સુકાતી નથી.