જયસુખના વકીલે મોરબી કોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી પરત ખેંચી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ચકચારી ઝુલતા પુલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અજંતા ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ પટેલે ગઈકાલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ નામદાર કોર્ટે આરોપી જયસુખને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો ત્યારબાદ તપાસનીશ અધિકારી દ્વારા વિધિવત રીતે જયસુખ પટેલનો કબ્જો મેળવવા કાર્યવાહી કરતા મોરબીની ચીફ કોર્ટના જજે જયસુખ પટેલને પોલીસ કસ્ટડીમાં સોંપવા હુકમ કરતા પોલીસે મોડી સાંજે સબ જેલમાંથી આરોપી જયસુખનો કબ્જો મેળવ્યો હતો તો બીજી તરફ આજે સવારે જયસુખ પટેલના વકીલે મોરબી કોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી પણ પરત ખેંચી લીધી હતી.
- Advertisement -
ગત 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ પ્રકરણમાં ઝડપાયેલા નવ આરોપીઓની પૂછપરછ અને તપાસના અંતે ઝૂલતા પુલનું સંચાલન કરતી અજંતા ઓરેવા કંપનીના માલિક અને મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલ દોષિત જણાતા તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા જયસુખ પટેલને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ જયસુખ પટેલ પોલીસને હાથ ન લાગતા અંતે સીઆરપીસી એકટ મુજબ નામદાર કોર્ટ મારફતે વોરંટ ઇશ્યુ કરવામાં આવતા ગઈકાલે નાટકીય ઢબે જયસુખ પટેલે મોરબી કોર્ટ સમક્ષ સરેન્ડર કરતા નામદાર કોર્ટે જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવા હુકમ કર્યો હતો.
ત્યારબાદ ઝૂલતા પુલ કેસના તપાસનીસ અધિકારી ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા મોડી સાંજે મોરબી ચીફ કોર્ટમાં આરોપી જયસુખ પટેલનો કબ્જો મેળવા કાર્યવાહી કરતા જજે પોલીસની અરજી ગ્રાહ્ય રાખી આરોપી જયસુખ પટેલનો કબ્જો તપાસનીશ પોલીસ અધિકારીને સોંપવા હુકમ કર્યો હતો જેથી નામદાર કોર્ટના હુકમને પગલે હવે તપાસનીશ પોલીસ ટીમ જયસુખ પટેલનું મેડિકલ ચેક અપ કરાવી 24 કલાક કસ્ટડીમાં રાખશે અને ત્યારબાદ નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોપી જયસુખના વકીલે થોડા સમય પહેલા જ મોરબી કોર્ટમાં જયસુખ પટેલની આગોતરા જામીનની અરજી કરી હતી જે અરજી પણ આજે સવારે આરોપી જયસુખના વકીલે પરત ખેંચી લીધી હતી.
ઝડપાયેલા સાત આરોપીઓની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી, કાલે સુનાવણી
ઝૂલતા પૂલ કેસમાં બી ડિવિઝન પોલીસ દ્વારા પુલનું મેન્ટનન્સ અને મેનેજમેન્ટ કરતી એજન્સી સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેથી કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેની સામે મોરબીની કોર્ટમાં ચાર્જ સીટ પણ મુકાઈ ગઈ છે ત્યારે અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીના દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મહાદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન મેળવવા માટે વકીલ મારફતે અરજી કરવામાં આવી છે જેની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.