ઝુંબેશ દરમિયાન પોલીસે અનેક સ્થળોએ લોક દરબાર યોજીને પ્રજાની વ્યથાઓ જાણી
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસામાજિક પ્રવૃતિ કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના આશયથી રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુચના પ્રમાણે પોલીસ દ્વારા રાજ્યભરમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગત તારીખ 5 જાન્યુઆરીથી શરૂ થયેલી આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે ત્યારે અત્યાર સુધી મોરબી જિલ્લામાં આ ઝુંબેશ દરમિયાન પોલીસે વ્યાજખોરી અંગે 21 ફરિયાદો નોંધીને 39 આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપીઓને જેલ હવાલે પણ કર્યા છે.
આ ડ્રાઈવ દરમીયાન રાજકોટ રેન્જના તાબાના તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્કથી લઇ પોલીસ કોન્સ્ટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જિલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતિ કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઈસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રાજકોટ રેન્જમાં અનેક સ્થળોએ લોક દરબારનું આયોજન કરાયું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં વ્યાજખોરી અંગે લોકોમાં જાગૃતતા કેળવાય તે હેતુથી લોક જાગૃતિના કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમોમાં મોરબી જીલ્લામાંથી 14 રજૂઆતો મળી હતી ત્યારબાદ મોરબી પોલીસ દ્વારા કુલ 21 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા જેમાં કુલ 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી 3 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં છ સ્થળોએ લોન મેળાનું પણ આયોજન કરાયું હતું અને આ ઝુંબેશ અવિરતપણે ચાલુ રાખવામાં આવનાર હોવાનું રેન્જ આઈજી કચેરી દ્વારા જણાવાયું છે.