પાલિકાના પદાધિકારીઓ દ્વારા ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના નવા ફાયર બ્રાઉઝર વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા ફાયર વિભાગને નવું આધુનિક ફાયર બ્રાઉઝર વાહન સોંપવામાં આવ્યું છે. ગુજરાત સરકારમાંથી મોરબી નગરપાલિકા માટે 1 કરોડ 10 લાખની કિંમતનું વોટર બ્રાઉઝર મંજૂર કરવામાં આવ્યું હતું જે મોરબી પાલિકાને મળી જતા પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ વોટર બ્રાઉઝરની 12 હજાર લીટર પાણીની ક્ષમતા છે. આ વાહનમાં પાણી ખેંચવા માટેનું સક્સન, બી.એ.સીટ, સિલિન્ડર ગેસ, એક્ઝોસ્ટ જનરેટર, હોર્સ પાઈપ, ફાયર ફાઈટરના સાધનો અને 32 ફૂટ ઉંચી સીડી પણ છે. ફાયર બ્રાઉઝરના લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિત અન્ય સભ્યો અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી શ્રીફળ વધેરીને આ વાહન ફાયર વિભાગને સોંપવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, મોરબી નગરપાલિકાના ફાયર વિભાગ પાસે એક મોટું અને બે નાના ફાયર ફાઈટરના વાહનો હતા જે વાહનો 10 વર્ષ જૂના છે અને 10 વર્ષ જૂના વાહનોનો ઉપયોગ સરકારી ધારાધોરણ મુજબ કરી શકાતો નથી ત્યારે વધુ એક મોટું ફાયર ફાઈટરનું વાહન મળતાં કુલ ચાર વાહનોની સુવિધા ઉભી થઈ છે પરંતુ આ નવું વાહન અંદાજિત ચાર માળ જેટલી ઉંચાઈ સુધી જ આગ બુઝાવવા સક્ષમ છે જો ચાર માળથી વધુની ઉંચાઈએ આગ લાગશે તો નવું ફાયર બ્રાઉઝર પણ આગ બુઝાવી શકે તેમ નથી.