ઘોડાધ્રોઈ નદીમાંથી રેતીચોરી ઝડપાઈ 15 લાખનું એસ્કેવેટર મશીન જપ્ત
ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરની ટીમે રેતી ચોરીના કારસા પર તવાઈ બોલાવી: 3.26 લાખની રેતી ચોરી ઝડપાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતમાફિયાઓ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે. ગ્રામજનોની રજૂઆતના પગલે મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરના માર્ગદર્શન હેઠળની ટીમે રાપર ગામે ઘોડાધ્રોઈ નદી કાંઠા વિસ્તારમાં સપાટો બોલાવી 3.26 લાખની રેતી ચોરી ઝપી પાડી હતી. જ્યારે રેતી કાઢવામાં ઉપયોગમાં લેવાતું રૂપિયા 15 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવાની સાથે મોરબી તાલુકા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી હતી. મોરબી પંથકમાં બેફામપણે ચાલી રહેલી રેતીની ખનીજચોરી મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાધ્રોઈ નદીકાંઠા વિસ્તારમાંથી રેતી ચોરીનો કારસો ઝડપી લઈ વિપુલ શાંતિલાલ નિમાવતના કબજામાંથી રૂા.15 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન કબજે કર્યું હતું. હિટાચી મશીન, રેતી ચોરી સહિતનો અંદાજે 19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુમાં રાપર ગામે રેતીચોરી મામલે ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા ફરિયાદ નોંધાવવાની સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આગલા દિવસે અનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં બે વાહનો વિરુદ્ધ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા તથા સ્ટાફ દ્વારા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાધ્રાઈ નદી પાસેથી બપોરના એકાદ વાગ્યાના અરસામાં વિપુલ શાંતિલાલ નિમાવત રહે. સિટી પેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળાની પાસેથી રૂા.15 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન જપ્ત કર્યું હતું અને હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલું છે.