CID દ્વારા આર્થિક વ્યવહાર અને અધિકારીઓ સાથેના સંપર્કની તપાસ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
મોરબીના વજેપર ગામે કરોડો રૂપિયાની જમીનના કૌભાંડમાં CID ક્રાઇમ, ગાંધીનગરની ટીમે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
- Advertisement -
વજેપર ગામના સર્વે નંબર 602 વાળી જમીનના મૂળ માલિક ભીમજીભાઈ નકુમની જાણ બહાર, ત્રાહિત મહિલાને વારસદાર બનાવીને આ જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. આ મામલે ભીમજીભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ હાલ ઈઈંઉ ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેમની ટીમ કરી રહી છે.
સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદીએ પોતાની અરજીમાં પ્રાંત અધિકારી અને અતુલ જોશી સહિતનાઓએ મળીને આ કૌભાંડ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આરોપી પાસેથી એક નવો મોબાઈલ ફોન મળ્યો હોવાથી જૂનો ફોન કબજે કરવા, અન્ય આરોપીઓ અને અધિકારીઓ સાથેના સંપર્ક, આર્થિક વ્યવહાર અને બોગસ દસ્તાવેજો બનાવવાની પદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ડીવાયએસપી આર.એસ. પટેલે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.