ઘટનામાં 3 સગા ભાઈઓ સહિત 5 રાજસ્થાની યુવકો ઘવાયા
રેગ્યુલેટર લીકેજના કારણે દુર્ઘટના, તમામ રાજકોટ સિવિલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબીના લાલપર નજીક આવેલી રેબન સિરામિક કંપનીની લેબર કોલોનીમાં રવિવાર, 23 નવેમ્બરના રોજ સવારે 8:30 કલાકે એક ગંભીર દુર્ઘટના બની હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રણ સગા ભાઈઓ સહિત કુલ પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
- Advertisement -
પ્રાથમિક તપાસમાં સિલિન્ડરનું રેગ્યુલેટર લીક થવાથી રૂમમાં ગેસ પ્રસર્યો હતો અને ત્યારબાદ આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. શ્રમિકો રૂમમાં સૂતા હતા તે સમયે આ ઘટના બની હતી.
દાઝી ગયેલા પાંચેય યુવકો મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા એક વર્ષથી અહીં મજૂરી કરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોમાં સૂરજ બક્ષીભાઈ (25), અમન બક્ષીભાઈ (23) અને વિનય બક્ષીભાઈ (18) (ત્રણ સગા ભાઈઓ), તેમજ ઇતવારી બંગાળી (22) અને શિવા ભરત (16)નો સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ ગંભીર સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



