ખાસ-ખબર સંવાદદાતા
હળવદ ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને હિન્દુ હૃદય સમ્રાટ યોગી આદીત્યનાથની જાહેરસભા યોજાઈ હતી. આ સમયે સભાને સંબોધન કરતાં મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ ભાંગરો વાટ્યો હતો અને જાણે વડાપ્રધાનની કમી પુરી કરતા હોય તેમ ધારાસભ્યના ઉમેદવાર પ્રકાશભાઈને દેશના વડાપ્રધાન ગણાવી દીધા હતા.
હળવદ ખાતે યોજાયેલ યોગી આદિત્યનાથની સભામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાની જીભ લપસી ગઈ હતી અને સંબોધન સમયે ચંદુભાઈએ હળવદ ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને દેશના વડાપ્રધાન ગણાવતા ભારે રમુજ થઈ હતી અને ઉપસ્થિત લોકોએ પણ બે ઘડી અચંબિત થઈને પ્રવચન પરાણે ગળે ઉતારી સહન કરવુ પડ્યુ હોય તેવો તાલ સર્જાયો હતો જેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.