ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જંત્રીના દર બમણા કરી દીધા હોય જે વધેલી જંત્રીના ભાવોનો ગુજરાતભરના બિલ્ડરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીમાં પણ બિલ્ડર એસોસિએશન દ્વારા બમણા જંત્રી દરનો વિરોધ કરીને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને સાથે જ વૈકલ્પિક સૂચનો પણ આપ્યા હતા.
મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં દસ્તાવેજ નોંધણી અન્વયે સ્ટેમ્પ ડ્યુટીના વપરાશ અનુસંધાને સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવાની જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ 2011 ના દર ઓચિંતા બમણા કરતો ઠરાવ ગુજરાત સરકારના મહેસુલ વિભાગે બહાર પાડ્યો છે જેનો વિરોધ નોંધાવી જંત્રીમાં સુધારો લાવવા વૈકલ્પિક સૂચનો આપવામાં આવ્યા હતા અને હાલ પૂરતો આ નિર્ણય ત્રણ મહિના અથવા જ્યાં સુધી સર્વે કરીને નવી જંત્રી ન બને ત્યાં સુધી મોકૂફ રાખવાની માંગ કરી હતી.