ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પોલીસ મથકમાં સતત બે દિવસ સુધી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેનાં પગલે પોલીસ ગણતરીના દિવસોમાં બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધા હોવાનો દાવો કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી હતી ત્યારે આ શક્યતા સોમવારે સાચી ઠરી હતી અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે એક બે નહીં પણ આઠ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક સાથે બે ઈસમો રાજપર ચોકડી પાસેથી ઝડપાયા હતા જે બાઈકના કાગળો માંગતા આરોપીઓ પાસે નહીં હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથકમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે આરોપી સાગર જાગાભાઈ ગોલતર (ઉ.વ. 20, રહે, ઓટાળા, તા. ટંકારા) અને કુંવરો ઉર્ફે કુરીભાઈ પશુભાઈ જખાણીયા (રહે. મોડપર, તા. ધ્રોલ) એમ બે ઈસમોને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા આરોપીઓએ અન્ય બાઈક ચોરીની કબુલાત આપતા પોલીસે ચોરી કરેલ અન્ય સાત બાઈક મળીને કુલ આઠ બાઈક (કિં. રૂ. 1,70,000) જપ્ત કર્યા હતા.
આરોપીઓએ મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ, આયુષ હોસ્પિટલ પાસેથી, સુપર માર્કેટ પાસેથી બાઈક ચોરી કર્યું હતું તેમજ અગાઉ છોટાલાલ પેટ્રોલ પંપ પાસેથી બાઈક ઉઠાંતરી કરી હતી. આ ઉપરાંત એક વર્ષ પૂર્વે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી અને જામનગર સાત રસ્તા મેળાના મેદાનમાંથી એક વર્ષ પૂર્વ બાઈક ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરીના આઠ બાઈક રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી સાગર ગોલતર અગાઉ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં તેમજ ટંકારા પોલીસ મથકમાં ત્રણ વખત પ્રોહીબીશન ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને આરોપી સાગર લોક માર્યા વગરના બાઈક ડાયરેક્ટ કરી ચોરીને અંજામ આપતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.