મોરબી મનપાનું ફાયર વિભાગ થશે વધુ સજ્જ
જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન તબક્કાવાર નવા વાહનો કાફલામાં જોડાશે: ઇમર્જન્સીમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા મનપાનો મહત્ત્વનો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આગ જેવી દુર્ઘટનાઓ સમયે તાત્કાલિક સેવા પૂરી પાડવા માટે ફાયર બ્રિગેડ વિભાગને અત્યાધુનિક સંસાધનોથી સજ્જ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા અંદાજિત ₹12 કરોડથી વધુના ખર્ચે કુલ 7 નવા ફાયર ફાઈટિંગ વાહનો ખરીદવા માટે વિવિધ કંપનીઓને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આ નવા વાહનો જાન્યુઆરી 2026 થી જૂન 2026 દરમિયાન તબક્કાવાર મોરબી ફાયર વિભાગના કાફલામાં સામેલ કરવામાં આવશે, જેનાથી શહેરની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતામાં મોટો વધારો થશે. હાલમાં મોરબી પાસે મિની ફાયર ટેન્ડર, વોટર બાઉઝર, ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને ટર્ન ટેબલ લેડર જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, વધતા જતા શહેરીકરણ અને ઉદ્યોગોને ધ્યાને રાખીને મનપાએ મિની ફાયર ટેન્ડર (2.5 ઊંક), વિશાળ વોટર બાઉઝર (20 ઊંક અને 8 ઊંક), રેપિડ રેસ્ક્યુ વ્હીકલ અને હાઈ કેપેસિટી પંપ જેવા વાહનો ઉમેરવાનું આયોજન કર્યું છે. આ નવા સાધનોની મદદથી અંતરિયાળ વિસ્તારોમાં પણ આગ ઓલવવાની કામગીરી ઝડપી બનશે અને જાન-માલનું નુકસાન ઘટાડી શકાશે. કોઈપણ કટોકટીના સમયે નાગરિકો ફાયર વિભાગના હેલ્પલાઈન નંબર 101, 112 અથવા 02822-230050 પર સંપર્ક કરી શકશે.



