મોરબી નાં બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે ભરવાડ યુવાનની હત્યાના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ બે વર્ષથી ફરાર હોય જે આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલી રવિરાજ ચોકડી પાસે બે વર્ષ પહેલાં તારીખ ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ ધરમપુર ગામ ના ભાવેશ મંગાભાઈ રાવા નામના યુવાનની અજાણ્યા વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરી હત્યા કર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ હતી. જે ગુન્હો નાં આરોપી દિલાવર કરીમ ચાવડા (ઉ.વ.૩૫) રહે. રાજકોટ પારેવડી ચોક, મૂળ વાંકાનેર શક્તિપરા વાળો અગાઉ મોરબીમાં તેની પત્ની અને બાળકો સાથે રહેતો હોય તે સમય દરમિયાન આરોપીની પત્ની હસીનાબેન સાથે મૃતક યુવાનને પ્રેમસંબંધ હોય જે મામલે આરોપી દિલાવર દ્વારા ભાવેશને તેની પત્ની સાથે આડા સંબંધ નહિ રાખવા સમજાવવા બાબતે માથાકૂટ થઇ હતી. અને દિલાવરને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતાં પત્નીએ છૂટાછેડા આપી બીજા લગ્ન કરી લીધા હતા. જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી દિલાવર ચાવડાએ તેના મિત્ર પવનકુમાર ભૈયા રહે. રાજકોટ વાળા સાથે આવી ભાવેશ ભરવાડ નામના યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીકી હત્યા કરી નાસી ગયા હોવાની ઝડપાયેલ આરોપીએ કબુલાત આપી હતી. એલસીબી ટીમે આરોપી દિલાવર ચાવડાની ધરપકડ કરી છે. તો અન્ય આરોપી પવનકુમાર ભૈયા રહે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ મૂળ યુપી વાળાની શોધખોળ આદરી છે. (અહેવાલ:- શ્રીકાંત પટેલ – મોરબી)


