સદ્ભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે આયોજન
દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે: ભોજન-પ્રસાદમાં રામકથા દરમિયાન ભાવિકોનો ધસારો વધી જાય તો વધુ રસોઈ બનાવવાની તેમજ અન્નનો બગાડ ન થાય તે માટે પણ વ્યવસ્થા
- Advertisement -
રામકથામાં ભોજન-પ્રસાદ વ્યવસ્થા સંભાળનાર ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે ખાસ-ખબર પ્રેસની શુભેચ્છા મુલાકાત સમયે આપી માહિતી હતી.
ભોજન-પ્રસાદમાં બધી સામગ્રીઓ ચોખ્ખા ઘી અને શિંગતેલમાં જ બનાવાશે
ભોજન વ્યવસ્થામાં ખોડલધામ મહિલા સમિતિની 100થી વધુ બહેનો નિ:સ્વાર્થભાવે પોતાની સેવા આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે. રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
- Advertisement -
ત્યારે આ સમગ્ર આયોજનમાં રસોડાની જવાબદારી ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સંભાળવામાં આવી રહી છે. ખોડીયાર રાસમંડળ દ્વારા વિવિધ ધાર્મિકોત્સવમાં છેલ્લા 63 વર્ષથી ભોજન વ્યવસ્થા સંભાળવાનો બહોળો અનુભવ છે, તાજેતરમાં જ સંપન્ન થયેલ જૂનાગઢ પરિક્રમા દરમિયાન ખોડીયાર રાસમંડળ દ્વારા રોજના 70 હજારથી વધુ ભાવિકોને ચા-પાણી-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. ત્યારે રેસકોર્સ ખાતે યોજાઈ રહેલી રામકથા દરમિયાન રોજ 50 હજારથી વધુ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભોજન-પ્રસાદમાં બધી સામગ્રીઓ ચોખ્ખા ઘી અને શિંગતેલમાં જ બનાવવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા દરમિયાન ભાવિકોનો ધસારો વધી જાય તો વધુ રસોઈ બનાવવાની તેમજ અન્નનો બગાડ ન થાય તે માટે પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. ભોજન વ્યવસ્થા માટે દરરોજ જરૂરિયાત મુજબ તાજા શાકભાજી માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ભાવિકો માટે ભોજન-પ્રસાદનો સમય સવારે 11-00થી બપોરે 2-00 રાખવામાં આવેલો છે ત્યારે ભોજન-પ્રસાદની સમગ્ર વ્યવસ્થા કિશોરભાઈ વાડોદરીયા, ભીખાભાઈ આંબલીયા, જાદવભાઈ મોહનભાઈ કાકડીયા, વલ્લભભાઈ મનજીભાઈ પટેલની ટીમ સંભાળી રહી છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ સેવાયજ્ઞમાં ભોજન વ્યવસ્થામાં ખોડલધામ મહિલા સમિતિની 100થી વધુ બહેનો નિ:સ્વાર્થભાવે પોતાની સેવા આપશે. આમ સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે ત્યારે આ વૈશ્ર્વિક રામકથા દરમિયાન ભોજન-પ્રસાદની વ્યવસ્થા સંભાળી રહેલા ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્રના કિશોરભાઈ વાડોદરીયા, ભીખાભાઈ આંબલીયા, વલ્લભભાઈ મનજીભાઈ પટેલે પ્રેસ શુભેચ્છા મુલાકાત દરમિયાન માહિતી આપતાં જણાવ્યું હતું.
રામકથા દરમિયાન નવ દિવસ શું હશે ભોજન પ્રસાદમાં ?
પ્રથમ દિવસ: ફાડા લાપસી, મીક્સ ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
બીજો દિવસ: મોહનથાળ, ગાંઠીયા, દૂધીચણા દાળ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
ત્રીજો દિવસ: લાહાલાડુ, ભજીયા, દેશી ચણા, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
ચોથો દિવસ: બરફી ચુરમુ, ડાકોરના ગોટા, ચોળાનું શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
પાંચમો દિવસ:ડ્રાયફ્રૂટ બુંદી, ગાંઠીયા, મીક્સ શાક, કાબુલી ચણા, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
છઠો દિવસ: અડદીયા પાક, ખમણ, સુકા વટાણા, મીક્સ લીલોતરી, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
સાતમો દિવસ: મગદાળનો શીરો, મીક્સ ભજીયા, ઉંધીયું, રોટલી, દાળ-ભાત, સંભારો છાશ.
આઠમો દિવસ: અમરતપાક, ફૂલવડીના ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
નવમો દિવસ: રવાનો શીરો, ગાંઠીયા, ભજીયા, મીક્સ કઠોળ, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
આજે દેવતાઓને આહવાન સ્વરૂપે માનસ સદ્ભાવના યજ્ઞનું આયોજન કરાયું
રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી યોજાનારી આરામ કથાનું આયોજન સફળ રહે તે માટે આજે દેવતાઓને આહવાન સ્વરૂપે માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ સમાજના શ્રેષ્ઠિઓ આ યજ્ઞમાં જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં સદભાવના પ્રસરે અને વિશ્વમાં થતા યુદ્ધ બંધ થાય તે માટે યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞ પણ ઇકો ફ્રેન્ડલી હતો એટલે કે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામા આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતુ કે, ભગવાનને આરાધના માટે માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી ઉપરાંત રામકથાના યજમાન તેમજ સમાજના શ્રેષ્ઠિઓ જોડાયા હતા. પ્લાસ્ટિકના ઉપયોગ વિના ઇકો ફ્રેન્ડલી મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં 108 દંપતીએ મહાયજ્ઞમાં આહુતિ આપી હતી અને રામકથાની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જેમાં મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં સદભાવના પ્રસરે અને વિશ્વમાં થતા યુદ્ધ બંધ થાય તે માટેનો આ યજ્ઞ છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ માંડવા પક્ષે છે જેથી રાજકોટના લોકોએ કોઈના આમંત્રણની રાહ જોવાની જરૂર નથી તમામ લોકો રામકથામાં પધારે તે માટેનું આમંત્રણ છે.