રામકથાએ લોકોની ચેતનામાં ઉંડા મૂળ નાખ્યા છે અને જનસમુદાયને સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે : સાંસદ મોહનભાઈ કુંડારીયા
મોહનભાઈ કુંડારીયાના ઘરેથી કબીરધામ સુધી પોથીયાત્રા નીકળશે: પૂ. મોરારી બાપુના કંઠે રામકથાનો પ્રારંભ : સવારે 9:30 થી બપોરે 1:30
કથા સમય રહેશે : કથા વિરામ તા.8/10/2023
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માનવ ઈતિહાસમાં રામકથાએ જનમાનસ ઉપર ગહન પ્રભાવ પાડયો છે. રામકથાએ લોકોની ચેતનામાં ઉંડા મૂળ નાખ્યા છે અને જનસમુદાયને સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. પવિત્ર માધુરીના પ્રવાહરૂપ રામકથાએ લોકોને દિવ્ય જ્ઞાનની અનુભૂતિ કરાવી છે, અંધકારમાં પ્રકાશ આપ્યો છે, અનિશ્ર્ચિતતામાં બળ આપ્યું છે, મુંઝવણમાં માર્ગદર્શન આપ્યું છે. રામકથા માનવમાત્રના હૃદયતારો ઉપર પોતાની કોમલ અંગુલિઓ ફેરવે છે અને દયા, આનંદ, હર્ષ, કરૂણા રસ,પ્રેમ, સમર્પણ, આદરભાવના સ્પષ્ટ પ્રત્યુતરો ઉજાગર કરે છે. દિવ્ય રામકથાનું શ્રવણ પાન એ માનવ માત્ર માટે રામાયણની ભવ્યતાનુું ચિતંન કરવાનો, હ્રદય-મનને બળવાન અને વિશુધ્ધ બનાવવાનો અવસર છે. જેમ સરયુ નદીનો ગંગા સાથે સંગમ થાય છે તેમ રામકથાની કોમલ કરૂણાનો અને લક્ષ્મણ કથાની ભાતૃભક્તિનો રામાયણમાં સંગમ થાય છે. તેમની વચ્ચે કરૂણા અને પ્રેમએ રામની યશોગાથાનું ચિત્ર રચે છે. રામકથા એ કોઈ વ્યક્તિની કથા નથી તે વિશ્ર્વની કથા છે.રામ એ સર્વે પ્રાણીઓમાં રહેલી પ્રમાણભુૂત વૈશ્ર્વિક્તાની મુર્તિ છે.તે બધામાં છે, બધા માટે છે, સર્વ સમય માટે અને સર્વત્ર છે.તે ભુતકાળની કથા નથી, પણ અનાદિ અને અનંત કાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની કથા છે.
ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા આગામી તા.30/9ના શનીવારના રોજ કબીરધામ,નાની વાવડી, મોરબી ખાતે પૂ. મોરારીબાપુના કંઠે રામકથાનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે આ રામકથા કાર્યક્રમની માહિતી આપતા મોહનભાઈ કુંડારીયાએ જણાવેલ કે તા.30/9ના રોજ પરમ પૂજય મહંત ગોકુળદાસજી સાહેબ(અમદાવાદ),પ.પૂ. મહામંડલેશ્ર્વર કનીરામજી મહારાજ(દૂધરેજ), પ.પૂ. મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરી માં (ખોખરા હનુમાન)ના વરદ હસ્તે દીપ પ્રજજવલન થશે, બપોરે ર:00 કલાકે મોહનભાઈ કુંડારીયાના ઘરેથી કબીરધામ સુધી પોથીયાત્રા નીકળશે, ત્યારબાદ સાંજે 4:00 થી 6:00 કબીરધામ, નાની વાવડી, મોરબી ખાતે પૂ. મોરારી બાપુના કંઠે રામકથાનો પ્રારંભ થશે અને રોજ સવારે 9:30 થી બપોરે 1:30 કથા સમય રહેશે તથા કથા વિરામ તા.8/10/ર0ર3, રવીવારના રોજ થશે.
ત્યારે આ રામકથાના મુખ્ય મનોરથીઓ સ્વ. કરમશીભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા (હસ્તે રાજકોટ લોક્સભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા),ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સ્વ. માતૃૃ સમજુબા (હસ્તે વિનુભાઈ રૂપાલા), નાથુભા પ્રભાતસિહ ઝાલા, ત્રંબકભાઈ શિવાભાઈ ફેફર (મોટો ગ્રુપ), ડી.સી. પટેલ, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી ( ગજેન્દ્ર પોલિશીંગ ટૂલ્સ) , ઉગાભાઈ સુખાભાઈ રાઠોડ, જીવરાજભાઈ નાગજીભાઈ ફુલતરીયા, અજયભાઈ મનસુખભાઈ તોરીયા, જયંતીભાઈ પોપટભાઈ રાજકોટીયા, ભીખાલાલ કુંવરજીભાઈ પનારા, સંતોષભાઈ નરશીભાઈ શેરસીયા, હંસરાજભાઈ જેરામભાઈ કૈલા, માવજીભાઈ ઓધવજીભાઈ શીરવી ( સીસમ ગ્રૂપ, શક્તશનાળા), કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા, વિનોદભાઈ સવજી દેત્રોજા, રૂગનાથભાઈ શિવાભાઈ કુંડારીયા, માતુ પ્રભાબેન (હ. ગોપાલભાઈ શનારીયા, કોસા ગ્રૂપ), પ્રવિણભાઈ રામજીભાઈ ભાલોડીયા, સ્પાયર ટાઈમ્સ (મોરબી) એ આ રામકથા શ્રવણનો લાભ લેવા રામકથા આયોજન સમિતિ તથા યજમાન એ જાહેર નિમંત્રણ પાઠવેલ છે.