મોરારિબાપુ નાની વાવડી ગામે સફાઈ કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધી જયંતિના આગલા દિવસને વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવા દરેક લોકોને એક કલાક સુધી શ્રમદાન કરવાનું આહવાન કરતા મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે રામકથા માટે મોરબી આવેલા મોરારીબાપુએ પણ શ્રમદાન કર્યું હતું.
મોરારીબાપુ સહિતના મહાનુભાવોએ કથા સ્થળ આસપાસ સફાઈ કરીને લોકોને શ્રમદાન કરવાનો સંદેશો આપ્યો હતો.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીરધામ પાસે ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે પ્રખર વક્તા મોરારીબાપુની રામકથા શનિવારથી શરૂ થઈ છે ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય મોરારી બાપૂ મહાશ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે મોરબીના નાની વાવડી ગામે મોરારિબાપુ પણ સરકારના મહાશ્રમ દાન કાર્યક્રમમાં જોડાયા હતા અને જાતે સાવરણી લઈ સાફ સફાઈ કરી અન્યને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ મહાશ્રમદાન કાર્યક્રમાં મોરારિબાપુ સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાઓએ સહભાગી બની ગામમાં સાફ સફાઈ કરી હતી.
મોરબીમાં સરકારના મહાશ્રમદાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશો આપતા મોરારિબાપુ
