ચોમાસુ રેખાની પૂર્વ પાંખની પ્રગતિ, ગુજરાત બાજુની પાંખની ઝડપ ઓછી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.15
- Advertisement -
ભારતમાં નૈઋત્ય ચોમાસાના પ્રવેશને એક પખવાડીયાથી વધુનો સમય થઈ ગયો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ચાર દિવસ અગાઉ પ્રવેશી ગયુ હોવા છતાં આગળ ધપી શકયુ નથી અને હજુ તેમાં થોડા દિવસો થશે.
સૌરાષ્ટ્રના કાંઠાળ ભાગોમાં આવતા સપ્તાહમાં ચોમાસુ એન્ટ્રી લઈ લેશે અને ત્યાં સુધી પ્રિમોન્સુન એકટીવીટીનો વ્યાપ અને વિસ્તાર વધતો રહેશે તેવી આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસુ રેખાનો પુર્વ છેડો ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેના કારણે આગામી દિવસોમાં ચોમાસુ મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓરીસ્સા, આંધ્રપ્રદેશના કાંઠાળ ભાગો તથા બંગાળની ખાડીના વધુ ભાગો તથા બિહારના વધુ ભાગોમાં આગળ ધપશે આ માટેના સંજોગો સાનુકુળ છે. જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત બાજુની ચોમાસાની પાંખની ગતિ ઘણી ધીમી છે અને એટલે ધીમી ગતિએ આગળ ધપે છે. આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. હાલ માત્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનુ આગમન થયુ છે. બાકીના ભાગોમાં પ્રિમોન્સુન એકટીવીટી ચાલુ રહેશે અને તેનો વ્યાપ અને વિસ્તાર વધતા રહેશે. ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણના જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન વાપીમાં 42 મીમી, તાપીમાં 34 મીમી, ડાંગમાં 23 મીમી, છોટા ઉદેપુરમાં 30 મીમી, પંચમહાલમાં 16 મીમી, મહીસાગરમાં 16 મીમી, વડોદરામાં 10 મીમી, ગાંધીનગરમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો. તા.15થી22 જૂન સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં તાપમાન 38થી41 ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. મહતમ તાપમાનની નોર્મલ રેન્જ હાલ 38થી40 ડીગ્રી ગણાય છે એટલે આગામીના સમયમાં તાપમાન નોર્મલ આસપાસ રહેશે. આ દરમ્યાન છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે. આગાહીના સમયગાળામાં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ર્ચિમના રહેશે. તા.15થી17 જૂન દરમ્યાન 15થી20 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે અને ઝાટકાના પવનની સ્પીડ 25 કી.મી.ની રહેશે. તા.18થી20 જૂન દરમ્યાન પવનનું જોર વધશે અને 15થી25 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે. જે દરમ્યાન ઝાટકાના પવનો 30થી40 કી.મી.ની ઝડપના રહેશે.
- Advertisement -
જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા.22 જૂન સુધીની આગાહી: પ્રિ-મોન્સુન ઍક્ટિવિટીનો વ્યાપ-વિસ્તાર વધશે
કાલાવડ અને જામનગર રોડ વિસ્તારમાં વરસાદ, હોસ્પિટલ ચોક, રેસ કોર્સ વિસ્તારમાં વરસાદ
રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં પણ વરસાદની પધરામણી થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના કાલાવડ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, રેસ કોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. જામનગર રોડ, જંકશન પ્લોટ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો.