ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.
ગુજરાતમાં સત્તાવાર રીતે વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઉનાળાની ગરમીમાં સૌકોઈ ત્રસ્ત બન્યા હતા, ત્યારે જે ઋતુની કાગડોળે રાહ જોવાતી હતી તે ચોમાસાએ એન્ટ્રી કરી છે. જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. તો ચોમાસાના પ્રારંભમાં જ સારો વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે. આજે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ગતરોજ ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં 24 કલાકમાં સવા 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
મોરબીમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદમાં 4.5 ઈંચ, નડીયાદમાં 4.5 ઈંચ, મોરબીમાં 3.5 ઈંચ, વઢવાણમાં 3 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 3 ઈંચ, ધંધુકામાં પોણા 3 ઈંચ, આણંદમાં 2.5 ઈંચ, લીંબડીમાં 2.5 ઈંચ, અંજારમાં સવા 2 ઈંચ, મહુધામાં સવા 2 ઈંચ, પોરબંદરમાં 2 ઈંચ, ગળતેશ્વરમાં 2 ઈંચ, ટંકારામાં 2 ઈંચ, પાદરામાં પોણા 2 ઈંચ, રાણાવાવમાં પોણા 2 ઈંચ, વસોમાં પોણા 2 ઈંચ, ભાણવડમાં પોણા 2 ઈંચ, થાનગઢમાં પોણા 2 ઈંચ, કપરાડામાં પોણા 2 ઈંચ, ખંભાતમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
ખેડૂતો ખુશખુશાલ
ગુજરાતના 152 તાલુકામાં મેઘરાજાએ બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે આ વખતે સમયસર વરસાદ પડ્યો છે. વરસાદ દર વર્ષે ખેંચાતા ખેડૂતોમાં નિરાષા જન્મે છે પણ આ વખતે સમયસર વરસાદ આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
- Advertisement -
30 જૂન સુધી ભારે વરસાદની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 29 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂને વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે.