અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું, 27 મે સુધીમાં કેરળમાં પ્રવેશશે
આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે. કેરળમાં પણ 27 મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
આવતીકાલ એટલે કે 17 મેના રોજ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
- Advertisement -
ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેની શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે. જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલા આવવાની શકયતા છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે આગામી 7 દિવસ દરમિયાન આ પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.



