છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ: મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના: બે દિવસ બાદ ફરી ઠંડીનું જોર વધશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉત્તર-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. ત્યારે ગતરાત્રિ (26/12/2024)થી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે, એટલે કે 27 અને 28 ડિસેમ્બર બે દિવસ હજુ પણ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરાઇ છે. ત્યારે આજે (27 ડિસેમ્બર) છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે બરફના કરા વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની સવારે 10 વાગ્યાની આગાહી મુજબ આગામી ત્રણ કલાક એટલે કે બપોરના એક વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ જે વિસ્તારમાં વરસાદની સંભવાના છે ત્યાં વાદળોની ગર્જના પણ અનુભવાશે અને મધ્યમ ગતિએ પવન ફૂંકાવવાની સંભાવના છે. હવામાન વિભાગની સવારના 10 વાગ્યાના ફોરકાસ્ટ મુજબ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધુમ્મસ છવાયેલું રહેશે.
સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્માના દામવાસમાં તો બરફનાં કરાં પડ્યાં હતાં. આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાતાં વરિયાળી અને બટાકાના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. જ્યારે અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ રાત્રે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉભરાણ, સૂલપાણેશ્ર્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભિલોડા, મોડાસાના ટીંટોઇ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડ્યાં હતાં. માવઠાના પગલે ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદ સહિત કરાની પણ સંભાવના છે. તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન ઉપર એક ઇન્ડ્યુસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત પાકિસ્તાનથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર સુધી એક ટ્રફ પણ સર્જાયું છે. જેથી ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનમાં વધારા સાથે વરસાદની સંભાવના છે. આવતીકાલથી ક્રમશ: બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે એટલે કે ફરી એક વખત ઠંડીનું જોર વધશે.
- Advertisement -
4 જિલ્લામાં કરાં પડવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ ગત સાંજથી જ મધ્ય ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી ઝાંપટાં પણ પડ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠામાં આજે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ક્યાંક વરસાદ તો ક્યાંક કરાં પડવાની પણ સંભાવના છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડી અને વરસાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અલ્હાદક ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે આજે શુક્રવારે વહેલી સવારે ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે. રાજ્યમાં માવઠાની આગહીને લઈને વાતાવરણ પણ બદલાયું છે. આજે શુક્રવારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આલ્હાદક ઠંડીનો માહોલ પણ જોવા મળ્યો છે.