– આતંકી જુથો સાથે આર્થિક ‘સાંઠગાંઠ’ નથી ને? : ગ્રાહકો સાથેના વ્યાપારમાં નિયમ પાલન વિશે પુછાણ
ત્રાસવાદી પ્રવૃતિઓ-કાવતરાને અંજામ આપવા માટે થતી મની લોન્ડ્રીંગ મામલે કેન્દ્ર સરકાર વધુ આકરા પાણીએ થઈ છે અને તેનો રેલો હવે જવેલર્સ-જવેલરી ઉદ્યોગ સુધી પહોંચ્યો છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જવેલર્સોને નોટીસો પાઠવીને ગ્રાહકો સાથેનાં કારોબાર વખતે કયા અને કેવા પ્રકારનાં નિયમો-માર્ગદર્શીકાનો અમલ કરવામાં આવે છે તે વિશે પુછાણ કર્યું છે શંકાસ્પદ ગ્રાહકોના કિસ્સામાં સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવે છે કે કેમ તે વિશે પણ પુછવામાં આવ્યુ છે.
- Advertisement -
કેન્દ્ર સરકારનાં સુત્રોએ કહ્યુ કે નવેમ્બરમાં આંતર રાષ્ટ્રીય એજન્સી ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સનું ઓડીટ થવાનું છે અને તે પૂર્વે સરકાર ટાસ્કફોર્સની યાદી મુદ્દે સાવધ બની છે અને જવેલરી ઉદ્યોગ સાથે ત્રાસવાદી જુથનો કારોબાર કે મની લોન્ડ્રીગ થયુ હોય તો આગોતરી જાણકારી મળી શકે. જવેલરી ઉદ્યોગનાં સંગઠનોએ સ્વીકાર્યું કે મોટા જવેલર્સ, બુલીયન વેપારીઓ, હોલસેલર્સ તથા ઉત્પાદકોને આવા પુછાણ મોકલવામાં આવ્યા છે અને કેવા પ્રકારનાં નિયમો-માર્ગદર્શીકાનું પાલન કરવામાં આવે છે તે વિશે પૂછવામાં આવ્યુ છે.જવેલરી સંગઠન જીજેસીનાં ચેરમેન સંયમ મેહરાએ કહ્યું કે જવેલર્સો તમામ નિયમોનો અમલ કરે છે એટલે ગાઈડલાઈનના પુછાણ વિશે ચિંતાની કોઈ વાત નથી.
પીએનજી જવેલર્સનાં પ્રમુખ સૌરભ ગાડગીલે કહ્યું કે રોકડમાં મોટો કારોબાર કરતાં જવેલર્સોને તકલીફ થઈ શકે બાકી સરકારી નિયમોનું પાલન કરનારાને કોઈ ચિંતા કરવા જેવુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મની લોન્ડ્રીંગ કાયદામાં બદલાવ બાદ સોનામાં ગેરકાયદે રોકાણ મુશ્કેલ થઈ ગયુ છે. 50,000 થી વધુ રકમની ખરીદીમાં પણ ઓળખકાર્ડ આપવુ પડે છે. કોઈ ગ્રાહકે વર્ષમાં 10 લાખથી વધુનુ સોનુ ખરીદ કર્યું હોય તો જવેલર્સે ઈન્કમટેકસને રીપોર્ટ કરવો પડે છે.