ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે અષાઢ સુદ અગિયારસને તારીખ 17ને બુધવારથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. જે અષાઢ સુદ પૂનમના દિવસે વ્રત સમાપ્ત થશે. આ દિવસે બાળાઓ રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરશે. આ વ્રતનું નાની બાળાઓમાં અનેરું મહત્ત્વ હોય છે.
- Advertisement -
વૈદિકકાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે. વ્રતનો સાદો અર્થ ‘નિયમ’ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ ‘ધર્મસંગત આચરણ’ એવો અર્થ થાય છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાને વ્રતના મહિના તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અષાઢ સુદ અગિયારસથી કુમારિકાઓને મનભાવન ભરથાર (પતિ) પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રતની શરૂઆત થાય છે. જેને મોળાકત વ્રત કહેવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે, આ વ્રત ક્યારે કરવામાં આવે છે, આ વ્રતને કોણ કરી શકે છે, અને આ વ્રત કરવાની રીત શું હોય છે.
મોળાકત વ્રત ક્યારે છે?
મોળાકત વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત આ વર્ષે 17 જુલાઈથી 21 જુલાઈ સુધી રાખી શકાશે. એટલે કે, બુધવારથી રવિવાર સુધી એમ પાંચ દિવસ રાખવાનું હોય છે. અષાઢ સુદ અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે.
મોળાકત વ્રત કોણ રાખી શકે છે?
6 થી 15 વર્ષની કુમારિકાઓ આ વ્રત રાખી શકે છે. તેઓ પોતાના સુંદર ભવિષ્ય માટે અને યોગ્ય વરની પ્રાપ્તિ માટે મોળાકત વ્રત રાખે છે. જેમાં પાંચ દિવસ પૂજા અને નિયમ મુજબ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે. આ સિવાય ખારું, તીખું છોડી મોળા પદાર્થો લેવાના હોય છે.
- Advertisement -
કઈ રીતે વ્રત રાખી શકાય?
આ વ્રત મૂળ શિવની આરાધનાનું વ્રત છે. એક માન્યતા મુજબ, માતા પાર્વતીએ આ વ્રત કરેલું છે. માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું. તેથી તેને ગૌરી વ્રત કહેવામાં આવે છે. જેમાં કુમારિકાઓ પોતાના ઘરે કોડિયામાં જવારા વાવે છે. એમ કહેવાય છે કે,આમાં સાત પ્રકારના ધાન્ય વાવવાના હોય છે. પણ આપણે અહીં મોટા ભાગે ઘઉંના જવારા વાવે છે. પછી તેના પર રૂના નાગલા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવેછે. સવારે તેના પૂજનમાં ફળ, ફૂલ અને નાગલા ચઢાવવામાં આવે છે. અને મંદિરે તેની પૂજા કરવામાં આવે છે. આ વ્રત પાંચ વર્ષ રાખવાનું હોય છે.
માતા પાર્વતીનું પ્રતીક ‘જવારા’
‘જવારા’ માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલાં’ બનાવી જવારાને ચઢાવાય છે. ‘નાગલાં’ શિવનું પ્રતીક છે. જેથી ગૌરી વ્રતમાં તેનું ખાસ મહત્વ રહેલું છે.
પૂજા કરવાની રીત
વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને, વાવેલા ‘જવારા’ અને ‘નાગલાં’ પૂજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવમંદિરે જાય છે. મંદિરે આવી જવારાને નાગલાં ચઢાવી અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચારે પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાતે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને ‘મોળા વ્રત-મોળાકત’ કહે છે. આ વ્રતમાં શિવ શક્તિનું પૂજન કરવામાં આવે છે. જેનાથી મનોકામના પૂર્ણ થાય છે. કુમારીઓ જવારા વાવે છે. જેથી તેને પ્રકૃતિ વિશે પણ જ્ઞાન મળે છે. સાથે તેનું મહત્વ પણ સમજાય છે. આ વ્રત કરવાથી તેમને ધાર્મિક વૃત્તિની સાથે પોતાના ધર્મ પ્રત્યે આકર્ષણ થાય છે.