દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-બદલી સંબંધિત વટહુકમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતાં તેને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે.
દિલ્હી વટહુકમને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી બાદ ગૃહમાં વટહુકમ લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ આ વટહુકમનો ગૃહમાં વિરોધ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ બિલના વિરોધમાં વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. દિલ્હી સરકારની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે આ વટહુકમ બહાર પાડ્યો હતો. વટહુકમમાં ડેનિક્સ કેડરના ગ્રુપ-A અધિકારીઓ સામે ટ્રાન્સફર અને શિસ્તબદ્ધ કાર્યવાહી માટે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઈઓ છે.
- Advertisement -
21 નવા બીલ રજૂ કરવાની સરકારની યોજના પણ ગૃહ ચાલતું જ નથી
હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, સત્રની શરૂઆત પહેલા લોકસભા સચિવાલય દ્વારા એક સૂચના જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સંસદના આ સત્ર દરમિયાન સરકારી કામકાજની કામચલાઉ યાદીમાં 21 નવા બિલ રજૂ કરવામાં આવશે અને પસાર કરવામાં આવશે. તેમાં દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 પણ સામેલ છે. જો કે મણિપુર મુદ્દે સંસદમાં સતત ચોથા દિવસે હોબાળો થયો હતો. આવી સ્થિતિમાં સરકારને બિલ રજૂ કરવા અને પસાર કરવામાં સંઘર્ષ કરવો પડશે.
દિલ્હી વટહુકમ પર સુપ્રીમની પાંચ સભ્યોની પીઠ આપશે ચુકાદો
દિલ્હી સરકારે ટ્રાન્સફર-પોસ્ટિંગ વાળા વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલાને બંધારણીય બેંચને મોકલી દીધો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ આ મામલાની સુનાવણી માટે પાંચ જજની બેંચની રચના કરશે. અગાઉ, છેલ્લી સુનાવણીમાં જ, સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલાને બંધારણીય બેંચને મોકલવાના સંકેતો આપવામાં આવ્યા હતા. કેસની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે 10 જુલાઈએ કેન્દ્ર સરકારને નોટિસ પણ પાઠવી હતી.
દિલ્હી વટહુકમની ખરી કસોટી રાજ્યસભામાં
લોકસભામાં સરકાર પાસે બહુમતી હોવાથી દિલ્હી વટહુકમ સરળતાથી પાસ થઈ જશે પરંતુ દિલ્હી વટહુકમની ખરી કસોટી રાજ્યસભામાં થવાની છે કારણ કે રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નથી એટલે આ વટહુકમને પાસ કરાવવા માટે ભાજપને બીજા પ્રાદેશિક પક્ષોના ટેકાની જરુર પડશે. જો આ બીલ રાજ્યસભામાં ઉડી ગયું તો દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-બદલીની સત્તા કેજરીવાલ સરકારને મળશે પરંતુ પાસ થશે અને પાસ થવાની વધારે શક્યતા છે, તો દિલ્હીમાં અધિકારીઓની બદલી કે ટ્રાન્સફરની સત્તા ઉપરાજ્યપાલ દ્વારા કેન્દ્ર સરકાર પાસે આવી જશે. આમ આદમી પાર્ટી સહિત ઘણા પક્ષો આ વટહુકમની વિરોધમાં છે.