સાધનોની ચકાસણી અને ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું. એક વ્યક્તિ ઘાયલ થઈ જતાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં હતી. ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં સંબધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દુધરેજ નજીક આઈ.ઓ.સી.એલની પશ્ચિમ ક્ષેત્રની સલાયા – મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે. આ પાઈપલાઈનની જાળવણી, સલામતી અને સુરક્ષા માટે તેમજ કાટ સામે રક્ષણ અને સંરક્ષણ માટે ઈઝઊ કોટિંગ (કોલ્ડ ટેપ અને ઙઞ દ્વારા બદલવામાં આવે છે) કરવાની કામગીરી ચાલી રહી છે. કોટિંગ કામ કરતી વખતે પાઇપની સપાટી સાફ કરવામાં આવે છે. આ સપાટી સાફ કરતી વેળાએ થોડું ક્રૂડ સીપેજ થયું હતું. સાઈટ ઇજનેરો કામગીરી તપાસ કરી રહ્યા હતા ત્યારે માઈનોર સીપેજ ધ્યાનમાં આવતાં કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમને જાણ થતા જ સંબંધિત તમામ ટીમને જાણ કરી દેવામાં આવી હતી.
- Advertisement -
મેન્ટેનન્સ ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી. ક્રૂડ સીપેજ વધી જતા લીકેજમાં ફેરવાયું અને પરિણામે આગ લાગવાનું શરૂ થતાં આઈ.ઓ.સી.એલની ટીમ દ્વારા ફાયર એક્સ્ટીંગ્યુશરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. જેને આઈ.ઓ.સી.એલની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગણતરીની મીનીટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ પાઈપલાઈન લીકેજ રીપેરીંગની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી હતી. જ્યારે સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યા બાદ આઈ.ઓ.સી.એલના ડેપ્યુટી જનરલ મેનેજર અને સ્ટેશન ઇન્ચાર્જ દ્વારા સમગ્ર ઘટનાને ઓફસાઇટ મોકડ્રીલ જાહેર કરવામાં આવતા આજુબાજુના સામાન્ય રહીશો અને રાહદારીઓ દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો.