પ્રતિકૂળતા વચ્ચે પ્રસૂતાની સફળ ડીલેવરી સાથે બાળકોને મળ્યું નવજીવન
એમ્બ્યુલન્સમાં ડીલેવરી માટે સર્જીકલ બ્લેડ, ટુવાલ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, એપ્રન, માસ્ક, કેપ, સ્પંજ સહિતના સાધન સામગ્રીની ખાસ કીટ ઉપલબ્ધ હોય છે

- Advertisement -
એમ્બ્યુલન્સની સાયરન વચ્ચે નવજાત બાળકનું મીઠું રુદન જ્યારે માતાને સંભળાય છે ત્યારે તેનું હૃદય પુલકિત બની જાય છે. પોતાની કૂખે જન્મેલા નવજાત બાળકને જોઈ પ્રત્યેક માતાને પરમસુખની અનુભૂતિ થતી હોય છે. રાજકોટ જિલ્લાની આવી ૧૫૦થી વધુ માતાઓને ૧૦૮ ની ટીમ દ્વારા છેલ્લા ૬ માસમાં ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવીને માતા – બાળકને મોતના મુખમાંથી બચાવી ૧૦૮ ની કામગીરીને દીપાવી છે.
આમતો પ્રસૂતા મહિલાઓને ખીલખીલાટ વાન દ્વારા તેમની પ્રસુતિ અને પછીની સારસંભાળ માટે સેવા આપવામાં આવતી હોઈ છે. પરંતુ કેટલાક ઈમરજન્સીના કિસ્સાઓમાં પ્રસૂતા મહિલાઓને લેબર પેઈન ઉપાડતા ૧૦૮ ને ફોન પર જાણ કરવામાં આવે છે. જયારે અન્ય કેટલાક ખાસ કિસ્સાઓમાં હેલ્થ સેન્ટર ખાતેથી મહિલાઓને ઇમર્જન્સીમાં હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. આવા સમયે ૧૦૮ વાન હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ પ્રસુતાને ડીલેવરી થઈ જતી હોવાનું ઇમરજન્સી એક્ઝિકયુટીવ વિરલ ભટ્ટે જણવ્યું છે.

- Advertisement -
જિલ્લાની ૩૧ જેટલી ૧૦૮ વાનમાં જાન્યુઆરી – ૨૦૨૧ થી જૂન માસ સુધીમાં ૧૫૦ થી વધુ મહિલાઓને પ્રસુતિ કરાવી હોવાનું વિરલભાઈએ જણાવ્યું છે. આ માટે સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડીલેવરી માટે ખાસ સ્ટરીલાઈઝ કરેલી કીટ ઉપલબ્ધ હોઈ છે. જેમાં નાળ કાપવા માટે સર્જીકલ બ્લેડ, ટુવાલ તેમજ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, એપ્રન, માસ્ક, કેપ, મ્યુકસ એક્સટ્રેક્ટર, સ્પંજ સહિતના સાધન સામગ્રી હોઈ છે.

૧૦૮માં પ્રસૂતા મહિલાની ડિલિવરીમાં ક્યારેક કોમ્પ્લિકેટેડ કેસ પણ આવી જતા હોવાનું વિરલભાઈ જણાવે છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે માથું પહેલા બહાર આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં બાળક ફરી ગયું હોઈ કે ગળામાં નાળ વીંટળાઈ જાય તે સમયે ટીમ દ્વારા ખાસ ધ્યાન રાખવું પડે છે. અધૂરા માસે પ્રસુતિ જેવા કિસ્સાઓમાં આવા સમયે ઓનલાઇન ડોક્ટર્સની પણ જરૂર પડ્યે મદદ લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં જોડિયા બાળકોની પણ ડીલેવરી થતી હોઈ છે. ઈ.એમ.ટી. રાજુભાઈ જણાવે છે કે, બાળકને ઓક્સિજનની જરૂર પડે ત્યારે તેઓને ઓક્સિજન માસ્ક લગાડી કે બ્લો બાય મેથડ દ્વારા હાથેથી ઓક્સિજન આપવો પડે છે. જો કે કોઈપણ સંજોગોમાં ૧૦૮ ના ઈ.એમ.ટી. ના સભ્યો માતા તેમજ બાળકોને સુરક્ષિતા પુરી પાડી એકપણ બાળનું મૃત્યુ થવા દિધુ નથી તેમ વિરલ ભાઈએ સગૌરવ જણાવ્યું છે.


