દરેક ઘરમાં તુલસીના સંદેશાને જીવંત બનાવી પર્યાવરણ જાગૃતિને વેગ આપશે
રાજકોટ શહેરના અલગ અલગ 17 સ્થળ પરથી રોપાનું વિતરણ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિધાનસભા-68 રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ, ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે તેમજ તુલસી એક એવો છોડ છે જે સામાન્ય રીતે દરેકના ઘરોમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય રીતે ઘણું મહત્ત્વ ધરાવે છે. ઘણા સમયથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડીબુટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી અનેકવિધ ગુણોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. કારતક માસની એકાદશીએ આવતા તુલસી વિવાહનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીને વિષ્ણુપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષોથી દેવઉઠી અગિયારસના દિવસે ઘર-મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિતના તમામ દેવગણ ચાર મહિનાની યોગનિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનો અંત થાય છે. હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહાત્મ્ય છે. તુલસીના પાનનો ઉપયોગ દરેક શુભ મંગલ કાર્યોમાં કરવામાં આવે છે. કારતક માસમાં તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. આ દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખની પૂજાથી પણ વિશેષ લાભ મળે છે તેમજ તુલસીની પરિક્રમા આ દિવસે શુભ મનાય છે. ખાસ કરીને આ દિવસે રંગોળી કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
તુલસી વિવાહ એ દેવોત્થાન એકાદશી પછી ઉજવાતો એવો ઉત્સવ છે જે દેવ પરંપરાનો પ્રારંભ માનવામાં આવે છે. તુલસી માતાનું વિષ્ણુ સાથેનું પવિત્ર વિવાહ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતિક છે ત્યારે આ પાવન પર્વને જનસહભાગિતાના માધ્યમથી ઉજવવાનો સંકલ્પ ધાર્મિક સંસ્કારોને જીવંત રાખે છે. તુલસી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઔષધિય અને પર્યાવરણમિત્ર છોડ પણ છે.
તેની વાવણી અને સંભાળ દ્વારા શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણનું સંવર્ધન પણ થાય છે ત્યારે ‘દરેક ઘરમાં તુલસી, દરેક હૃદયમાં સંસ્કાર’ના સંદેશાને જીવંત બનાવી ‘પર્યાવરણ સેવા’ અને ‘જનસેવા’ના શુભ આશયથી ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા સતત ત્રીજા વર્ષે દેવદિવાળી (તુલસીવિવાહ)ના પાવન પર્વ અંતર્ગત તા. 1 નવેમ્બરના શનિવારે પેડક રોડ, પાણીના ઘોડા પાસે, વિધાનસભા-68 (રાજકોટ પૂર્વ) જનસેવા કાર્યાલય સહિત કુલ 17 સ્થળો ખાતે સવારે 9-30 કલાકે વિનામૂલ્યે 10 હજારથી વધુ તુલસીના રોપા (કુંડા સાથે) વિતરણ કરવામાં આવશે. જેમાં વિધાનસભા-68ના વોર્ડવાઈઝ વિવિધ સ્થળોએ તુલસીના રોપા (કુંડા સાથે) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયાની રાહબરી હેઠળ તુલસીરોપા (કુંડા સાથે) વિનામૂલ્યે વિતરણની સમગ્ર કામગીરીને સફળ બનાવવા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, મનસુખભાઈ પીપળીયા અને વિધાનસભા-68માં સમાવિષ્ટ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આમ તુલસીના રોપા (કુંડા સાથે) વિનામૂલ્યે વિતરણનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રાએ અંતમાં જણાવેલ હતું.
વોર્ડવાઈઝ આ સ્થળે રોપાનું વિતરણ થશે
વોર્ડ નં. 3: સંતોષીનગર, ઠાકર ચોક, રેલનગર, મા અમૃત પુષ્પા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર, રામજી મંદિર, પોપટપરા-12, વોર્ડ નં. 4: ભગવતીપરા-5 ઓવરબ્રીજ નીચે, સેટેલાઈટ ચોક, સેટેલાઈટ સ્કૂલ પાસે, લક્ષ્મણ પાર્ક, મહાદેવ મંદિર પાસે, ફોર્જ એન્ડ ફોર્જ પાછળ, આંગણવાડીની બાજુમાં, વોર્ડ નં. 5: ગીતાંજલી, શિવમ પાર્ક, આરટીઓની બાજુમાં, ભગીરથ સોસાયટી, વોર્ડ નં. 6: સંત કબીર રોડ, વોર્ડ-6 કાર્યાલય, જલગંગા ચોક, માંડા ડુંગર, ગોકુલ વિદ્યાંજલી સ્કૂલ, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર પાસે, વોર્ડ નં. 15: ગંજીવાડા, મહાકાળી ચોક, રામજી મંદિર પાસે, ખોડીયારપરા, મહાદેવ મંદિર, સરવૈયા હોલ, અમૂલ સર્કલ પાસે, ચુનારાવાડ, સરવૈયા પાનવાળી શેરી, વોર્ડ નં. 16: રામેશ્ર્વર મંદિર, 50 ફૂટ રોડ, ક્રિષ્ના ચોક, મારુતીનગર હુડકો પોલીસ ચોકી પાસે.



 
                                 
                              
        

 
         
        