સતત ત્રીજા વર્ષે આયોજન: નવરાત્રી માત્ર ભક્તિનો નહીં, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક છે: ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર ગુજરાતમાં જગત જનની મા જગદંબાની નવલી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભા-68, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા સતત ત્રીજા વર્ષે તેમના વિધાનસભા વિસ્તારના તમામ વોર્ડમાં 500થી વધુ ગરબી મંડળોની બાળાઓને લ્હાણી-પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉદય કાનગડએ જણાવ્યું હતું કે, નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રીના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. આસો સુદ એકમથી નોમ સુધી મનાવવામાં આવતો આ ઉત્સવ સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગી દે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મ્ય છે, જ્યાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. પ્રાચીન ગરબીએ હજુ પણ પોતાનું અનેરું આકર્ષણ જાળવી રાખીને આપણી પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરી છે.
ઉદય કાનગડએ ભારપૂર્વક કહ્યું કે, “નવરાત્રી એ માત્ર ભક્તિનો ઉત્સવ જ નહીં, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક છે. ગુજરાતની ધરોહર સમાન રાસ અને ગરબાની પરંપરાને જીવંત રાખવા માટે બાળાઓ દ્વારા ગરબે ઘૂમીને કરાતી મા આદ્યશક્તિની આરાધના માત્ર નૃત્ય નથી, પરંતુ મા આદ્યશક્તિના દર્શન, ચરણાર્પણ અને ભક્તિનું અનોખું પ્રતીક છે.”
પ્રાચીન ગરબીમાં લયબદ્ધ રીતે ગરબે ઘૂમતી બાળાઓના રાસ-ગરબા માત્ર નૃત્યની લય નથી, પરંતુ માતાજી પ્રત્યેની લાગણી, શ્રદ્ધા અને ભક્તિનો સંગમ છે. ધારાસભ્યએ આ પરંપરાને જીવંત રાખવા બદલ બાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને લ્હાણી વિતરણની વ્યવસ્થામાં જોડાયેલા વિધાનસભા-68ના વોર્ડના કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ-પ્રભારી, મહામંત્રીઓ તેમજ તમામ સહયોગીઓનો આ સેવાકાર્યમાં સહભાગી થવા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -



