ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહએ અમેરિકાના શિકાગો ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત જૈના ક્ધવેન્શન 2025માં પોતાના 40 મિનિટના ઉદ્બોધનથી આંતરરાષ્ટ્રીય શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. વિશ્વમંચ ઉપર ગુજરાતના પ્રતિનિધિત્વ સમાન ડો. દર્શિતા શાહએ આ જૈન ક્ધવેન્શન 2025માં હાજરી આપી હતી.
આ ક્ધવેન્શનમાં વિશ્વભરના 5000થી વધુ જૈનોએ હાજરી આપી હતી, જેમાં ભારત, અમેરિકા, કેનેડા સહિતના અનેક દેશોના સંતો, વિદ્વાનો, સમાજ સેવી કાર્યકરો અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. ડો. દર્શિતા શાહને આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને પોતાનું ઉદ્બોધન વિશ્વભરના જૈન મહાનુભાવોને આપવા માટે અમેરિકાથી ખાસ જણાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ડો. દર્શિતા શાહએ હજારોની મેદની વચ્ચે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. શિકાગોમાં યોજાયેલ આ ક્ધવેન્શનની મુખ્ય થીમ “Unity in Diversity: A Path to Peace”” હતી.
- Advertisement -
આ થીમને અનુલક્ષીને ડો. દર્શિતા શાહએ “જૈનીઝમ અને રાજધર્મ” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિશ્વમંચ પર ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું હતું. તેમણે જણાવ્યું કે જૈન સિદ્ધાંતો માત્ર આધ્યાત્મિકતામાં જ નહીં, પરંતુ સુશાસન અને નૈતિક રાજધર્મમાં પણ કેવી રીતે મહત્વનો ફાળો આપી શકે છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુચવાયેલ સુશાસન માટેના નવા સંકલ્પો અને જૈન સિદ્ધાંતો વચ્ચેના સંકલનને ઉદાહરણ સાથે રજૂ કર્યું હતું, જેની નોંધ ઉપસ્થિત હજારોની મેદનીએ લીધી હતી. સમગ્ર વક્તવ્ય દરમિયાન શ્રોતાઓએ એકાગ્રતાથી આ વક્તવ્ય સાંભળ્યું હતું અને વક્તવ્ય બાદ દેશ-વિદેશના લોકોએ ડો. દર્શિતા શાહને અભિનંદન પણ પાઠવ્યા હતા. ધારાસભ્ય ડો. દર્શિતા શાહને ગ્રુપ ડિબેટ સત્રમાં પણ આમંત્રણ મળ્યું હતું, જેમાં તેમણે મંચ પર વિવિધ પ્રખર ચિંતકો સાથે સામૂહિક ચર્ચા કરીને સભ્યોને અવગત કરાવ્યા હતા. વિશ્વમંચ ઉપર ગુજરાતના ધારાસભ્ય ડો. દર્શિતા શાહનું પ્રતિનિધિત્વ રાજકોટ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક સિદ્ધિ છે અને વૈશ્વિક જૈન સમુદાય માટે આ ગૌરવની વાત છે.