વડોદરામાં જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ વિશ્ર્વાસઘાત કરી યુવતી પર દુષ્કર્મ આચર્યું
દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં એક યુવકે ફાયદો ઉઠાવી રેપ કર્યો : ભોગ બનનાર 19 વર્ષીય યુવતીએ ઘરે જઈ ગળેફાંસો ખાઈ લીધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ એક મિત્રએ દુષ્કર્મ આચરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે, આપઘાત પૂર્વે યુવતીએ પોતાની સાથે થયેલા ઘૃણાસ્પદ બનાવને બયાન કરતો વીડિયો બનાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એક્શનમાં આવેલી પોલીસે મોડી રાતે દુષ્કર્મનો ગુનો નોંધી યુવતી સાથે પાર્ટી કરનાર 19 વર્ષિય દિશાંત ઉર્ફ દિપક કહાર (રહે. 101, શિવમ એપાર્ટમેન્ટ, કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને 20 વર્ષિય નઝીમ ઇસ્માઇલરહીમ મિરઝા (રહે. ભાડવાડા, મારવાડી મહોલ્લો, ફતેપુરા, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસસૂત્રો મુજબ, લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે દુપટ્ટાથી સવારે 10.30 વાગ્યાના સુમારે ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
- Advertisement -
પપ્પા, આઇ લવ યુ, મને માફ કરજો
દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ડઘાઇ ગયેલી યુવતીએ મિત્રને કોલ કરી હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે હું કયા મોઢે મારા પપ્પાને વાત કરીશ. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. પોલીસે આ વીડિયો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. લક્ષ્મીપુરા પોલીસે દિશાંત કહાર અને નઝીમ મિરઝા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગોરવા પી.આઇ. આર.સી. કાનમીયા વધુ તપાસ કરી રહ્યા છે.
આરોપી દિશાંત (ડાબે) અને તેનાં મિત્ર નઝીમની ધરપકડ કરી લેવાઈ છે.


