અલગ સહકાર મંત્રાલયનાં અનેક સૂચિતાર્થ છે, તેની અઢળક સંભાવનાઓ છે પરંતુ પવિત્ર સહકાર ક્ષેત્રમાં તે સહુ પ્રથમ રાજકારણીઓના અખડાઓને છિન્નભિન્ન કરી નાખશે
મંત્રીમંડળનું વિસ્તરણ અને પુનર્ગઠન કૃષિ સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું વિકેન્દ્રીકરણ કરશે અને આમ કૃષિ ક્ષેત્રે નીતિ ઘડતરને બદલે નીતિઓના સક્રિય અમલને વેગ મળશે
આ નવી પહેક નજદીકના ભવિષ્યમાં લોકોને છેતરતી ચીટ ફંડ કંપનીઓ સીધી જ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ લાવી દેશે, આમ એક સ્વચ્છ નાણાકીય પ્રવૃત્તિઓની શરૂઆત થશે
- Advertisement -
7મી જુલાઇ બુધવારના દિવસે મોદી સરકારના પ્રધાન મંડળમાં મોટા પાયે ફેરફાર કરવા સાથે તેનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહજીને આ નવા સહકાર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભારત જેવા વિશાળ ગ્રામીણ અર્થતંત્ર ધરાવતા દેશમાં સહકાર ક્ષેત્રનો યોગ્ય વિકાસ થાય તો રાષ્ટ્ર સમસ્તનું કલ્યાણ થાય. સહકારનો ખયાલ અને સહકારી પ્રવૃત્તિઓ અદભૂત સંભાવનાઓ ધરાવે છે પરંતુ આપણે ત્યાં હંમેશા તેનો ઉપયોગ રાજકારણના હથિયાર તરીકે થયો છે. જોકે મોદી સરકાર પ્રથમથી જ આ પ્રવૃત્તિઓની મહત્તા પિછાણી શકી હતી અને એટલે જ પહેલી ફેબ્રુઆરી 2021ના રોજ કેન્દ્રિત બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સિતારામને સરકારનો ઈરાદો સ્પષ્ટ કરતા કહ્યું હતું કે સરકાર સહકારી ક્ષેત્ર અને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સેકટર (ખજઈજ)ના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. એ વાત અલગ છે કે તે વખતે તેમની આ વાત પર કોઈએ ખાસ લક્ષ્ય આપ્યું ન હતું પરંતુ મોદી સરકાર પાસે હંમેશા ભવિષ્યની સ્પષ્ટ રૂપરેખા હોય છે.
આવી ખજઈજ, એટલે કે બહુ રાજ્ય સહકારી મંડળીઓ ડિપોઝિટ જમા કરે છે અને લોન પણ આપે છે. ભારતમાં હાલ આવી 1295 સહકારી સમિતિઓ છે. અત્યાર સુધી આ પ્રવૃત્તિઓ કૃષિ મંત્રાલયને આધીન હતી પરંતુ હવે તેનું અલાયદું મંત્રાલય બનાવવામાં આવ્યું છે.
આ મંત્રાલયની રચનાનો કૃષિ કિસાન કલ્યાણ મંત્રાલય પર ઘણો પ્રભાવ પડશે. હાલમાં કૃષિ મંત્રાલય હેઠળ અનેક પ્રવૃત્તિઓ આવે છે પરંતુ અલાયદા સહકાર ખાતાની રચનાના કારણે કૃષિ સંબંધિત અનેક પ્રવૃત્તિઓના વિકેન્દ્રીકરણ ને વેગ મળશે. કૃષિ મંત્રાલય પાસે હાલમાં સિંચાઇ અને મત્સ્યોદ્યોગ જેવી પ્રવૃત્તિઓનો હવાલો રહેતો હોય છે તે તમામના અલગ મંત્રાલયના કારણે દરેક ક્ષેત્રનો યોગ્ય વિકાસ થશે અને કૃષિ તેમજ સહકારી ક્ષેત્ર પર રાજકારણીઓની પક્કડ છે તે ખત્મ થશે. વળી તમામ પ્રવૃત્તિઓનું વિકેન્દ્રીકરણ થતાં કૃષિ સાથે સંકળાયેલા ન્યુનતમ સમર્થન મૂલ્ય, મીનીમમ સપોર્ટ પ્રાઈઝના મુદ્દા પર અલગથી ધ્યાન આપી શકાશે. કૃષિ મંત્રાલય અંતર્ગત આવતી વિભિન્ન પ્રવૃત્તિઓને અલગ પાડી દેવાથી હવે તે સંબંધિત નીતિ ઘડતરના બદલે નીતિના સક્રિય આચરણ પર ધ્યાન આપી શકાશે.
સંભાવના એવી પણ છે કે આ મંત્રાલય હેઠળ ચીટ ફંડ વ્યવસાયને પણ આવરી લેવાશે. અત્યારે ચીટ ફંડ કાયદા હેઠળ 1982 જેટલી ચીટ ફંડ કંપની પર નિયંત્રણ રાખવામાં આવે છે.
આ એકમો હાલમાં રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ હોય છે. આ તમામ નોન બેન્કિંગ આર્થિક એકમો છે અને રિઝર્વ બેંકમાં તેની નોંધણી જરૂરી નથી. આ પ્રવૃત્તિ બાબતે કાયદાની આવી વિચિત્રતા કારણે આવી કંપનીઓ લોકો સાથે છેતરપિંડીમાં સફળ રહે છે. પરંતુ હવે આવનારા દિવસોમાં આવી કંપનીઓ ઉપરાંત ગ્રામીણ સહકારી ક્ષેત્ર ઉપર પણ કેન્દ્રનું પ્રત્યક્ષ નિયંત્રણ રહેશે અને આ ચાવીરૂપ ક્ષેત્રમાં સ્થાનિક રાજકારણીઓના પ્રભાવનો અંત આવતા સહકારના મીઠા ફળ લોકોને મળશે.