ખાસ-ખબર સંવાદદાતા
આગામી વર્ષાઋતુ શરૂ થવાની હોય આ દરમિયાન સંભવિત ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્યમંત્રીએ પ્રિ-મોન્સુન અંગેની સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. વર્ષાઋતુ દરમિયાન એનડીઆરએફ તથા એસડીઆરએફ ટીમોને ડેપ્યુટ કરવા તેમજ આશ્રયસ્થાનો અંગે ચર્ચા કરી વિવિધ સુચનો કર્યા હતા. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલની સફાઇ સમયમર્યાદામાં કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે ભારે વરસાદ, પૂરની સ્થિતિને પહોંચી વળવા સુચારૂં વ્યવસ્થાની સૂચના આપી હતી.
- Advertisement -
આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઈ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ન ભરાઈ તે અંગે યોગ્ય આયોજન કરવા તેમજ ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલની સફાઈ નિયત સમય મર્યાદામાં કરવા મંત્રી મેરજાએ તાકીદ કરી હતી. તદઉપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વગેરેની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આનુસંગીક વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને સૂચના પણ આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલ,જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ,નાયબ જિલ્લા પોલીસવડા (આઈપીએસ) અતુલ બંસલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વે ઈલાબેન ગોહિલ તેમજ ઈશીતાબેન મેર,મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા,વાકાંનેર પ્રાંત અધિકારી શેરશીયા,જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ,જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરાસહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.