રાજકોટ જિલ્લાના 41 ગામોને નર્મદાના નીર મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં “સૌની” યોજનાના રૂ. 129.61 કરોડના વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદે આવતાં જ લોકોને પાણી માટે વલખા ન મારવા પડે તેવું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.17 ફેબ્રુઆરી, 2014માં “સૌની યોજના” થકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી લાવવાની યોજનાને અમલમાં મૂકી હતી. ચાર લિંક દ્વારા આ યોજના થકી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવાઈ છે. “સૌની” યોજનાની લિંક-1 દ્વારા મચ્છુ-2થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમ સુધી 208 કિ.મી. લાંબી પાઇપલાઇન થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તો લિંક-2 દ્વારા લીંબડીના ભોગાવોથી અમરેલી સુધી 299 કિલોમીટર, લિંક-3 દ્વારા ધોળીધજા ડેમથી દ્વારકાના સોરઠી ડેમ સુધી 299 કિ.મી. અને લિંક-4 દ્વારા લીમડીના ભોગાવો ડેમ-2 થી ગીર સોમનાથના હિરણ-2 ડેમને 565 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વાર જોડવાની કામગીરી થઈ રહી છે.