જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની કરી સમીક્ષા; ખેડૂત સહાય પેકેજની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી જિલ્લા પંચાયત ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો અંગેની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા ચાલી રહેલી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે, જનહિતના કાર્યોમાં ‘ઝીરો પેન્ડેન્સી’ એટલે કે કોઈ પણ કામ વિલંબમાં ન રહે તેવો અભિગમ અપનાવવો જોઈએ. કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે માનવીય અભિગમ રાખી કામ કરવા તેમણે તાકીદ કરી હતી. ખાસ કરીને આ વર્ષે થયેલી અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને અપાતા કૃષિ રાહત પેકેજની પ્રક્રિયા કેટલી પૂર્ણ થઈ તેની વિગતવાર સમીક્ષા કરી સમયસર સહાય ચૂકવવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી સહિત તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ સમિતિના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલન સાધીને લોક સુખાકારીના કામોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.



