“રાજ્યના ૧૭૦૦૦ ગામડાઓમાં ખેડૂતોને ૨૦૨૨ના અંત સુધીમાં ‘‘કિસાન સૂર્યોદય યોજના’’નો લાભ મળતો થશે”- જયેશભાઇ રાદડીયા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી
રાજકોટ તા.૫ ઓગસ્ટ – મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં પ્રવર્તમાન રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધોરાજી ખાતે ઉપલેટા-ધોરાજી-જામકંડોરણાના કિસાનો માટે ‘‘કિસાન સન્માન દિન’’ની ઉજવણી તેમજ ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’’ કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

- Advertisement -
આ પ્રસંગે ધોરાજી-જામકંડોરણા-ઉપલેટા તાલુકાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાય કીટ લાભાર્થીઓને વિતરણ કરાઇ હતી, જેમાં ખેતીવાડી સહાય યોજના અંતર્ગત આઇ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલ ધોરાજી તાલુકાના ૫૬૭ લાભાર્થીઓને ૧ કરોડ ૪૨ લાખ ૭૩ હજાર ૧૬૮ રૂપિયાની સહાય, ઉપલેટા તાલુકાના ૯૦૪ લાભાર્થી ખેડૂતોને રૂ. ૨ કરોડ ૫૩ લાખ ૪૨ હજાર ૫૭૧ ની સહાય અને જામકંડોરણા તાલુકાના ૭૮૭ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧ કરોડ ૭૧ લાખ ૪૬ હજાર ૫૨ની વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરાઇ હતી.
આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસરકાર દ્વારા ખેડૂતોના હિતાર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોની સુખાકારી માટેના કાર્યો થઇ રહ્યા છે. આગામી ૨૦૨૨ ના અંત સુધીમાં રાજ્યના ૧૭ હજારથી વધુ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો લાભ આપી ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કાર્ય વર્તમાન સરકાર દ્વારા કરાઇ રહ્યું છે. રાજયસરકારે ખેડૂતોના ખેત ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી ખેડૂતોનું હિત જાળવ્યું છે. ધરતીપુત્રોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવાર યોજના, દેશી ગાયના નિભાવ માટેની યોજના, જીવામૃત યોજના, ફળ-શાકભાજી વિક્રેતાને છત્રી માટેની યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ અને કાંટાળી વાડ બનાવવા માટેની સહાયની યોજના અમલમાં મૂકી છે.

- Advertisement -
આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ૧ ઓગસ્ટથી ૯-ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમો અન્વયે આજે કિસાન સન્માન દિવસની ઉજવાણી થઇ રહી છે. ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ના ત્રીજા તબક્કાનો પ્રારંભ આજે ધોરાજીમાં થઈ રહ્યો છે, એનાથી ધોરાજી તાલુકાના ચાર ગામોનાં ખેત વીજ જોડાણમાં દિવસ દરમિયાનનો વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.
આ કાર્યક્રમમાં સીમાંત ખેડૂતો માટે સ્માર્ટ ટૂલ કીટ. કિસાન પરિવહન યોજના પૂર્વ મંજૂરી પત્ર .દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તમને એક ગાય માટે નિભાવ ખર્ચ માં સહાય હુકમ. ફળ શાકભાજી બગડતા અટકાવવાના વેચાણકારો ને છત્રી અને શેડ પૂરા પાડવાની સહાય યોજના તેમજ ખેતર ફરતે કાંટાવાળી તારની વાડ યોજના ના ત્રણેય તાલુકાના ૨૫ લાભાર્થી ખેડૂતોને કીટ મંજૂરી પત્ર અને પેમેન્ટ હુક્મો મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ ઉપસ્થિતોના હસ્તે અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે ધોરાજીના અગ્રણી વી. ડી. પટેલે પ્રાસંગિક ઉદબોધન અને જેટકોના કાર્યપાલક ઇજનેર વી. જે. ખાંટએ ઉપસ્થિતોને આવકાર્યા હતા, અગ્રણી દિનેશભાઈ અમૃતિયા, હરકિશન માવાણી, લલિતભાઈ વોરા, કિશોરભાઇ રાઠોડ, કાંતિભાઈ જાગાણી, કે. પી. માવાણી, વિનુભાઈ માથુકિયા, વિજયભાઈ બાબરીયા, મનીષભાઈ કંડોલીયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારી મિયાણી, તથા લાભાર્થી ખેડુતો ઉપસ્થિત રહયા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી આર. આર. ટીલવાએ આભારદર્શન કર્યું હતું .


