સહકારી સંસ્થાઓના સંકલનથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના અને કોડીનારના સહકારી આગેવાનો સાથે સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે અને સહકારી સહકારી સંસ્થાઓ વચ્ચે સંકલનથી ખાસ કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત બને અને ખેડૂતો-પશુપાલકો સમૃદ્ધિ તરફ આગળ વધે તે માટે દિશાસૂચક માર્ગદર્શન આપતા સહકારી સંસ્થાઓનો નાણાકીય વ્યવહાર સહકારી બેંકના માધ્યમથી થાય તેમ જરુરી ગણાવ્યું હતું.
- Advertisement -
સહકારથી સમૃદ્ધિની નેમને સાર્થક કરવા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યુ કે, રાજ્યમાં સહકાર ક્ષેત્ર મજબૂત બને અને તેના દ્વારા લોકોની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત બને તે માટે દરેક ગામને પ્રાથમિક કૃષિ સેવા સહકારી મંડળી કે, અન્ય સહકારી સંસ્થાઓની સેવા હેઠળ આવરી લેવામાં આવશે. આ સહકારી સંસ્થાઓના માધ્યમથી નાણાકીય વ્યવહારો માટે જરુરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આમ, ગ્રામીણ કક્ષાએ સહકારી સંસ્થાઓના માધ્યમથી નાણાકીય વ્યવહારો વધુ સુગમ બનાવવામાં આવશે.આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય સર્વ સંજયભાઈ કોરડીયા, પ્રદ્યુમ્ન વાજા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, સુદામા ડેરીના ચેરમેન ભરતભાઈ ઓડોદરા, રાજ્યના જોઈન્ટ રજીસ્ટર ચેતન પરમાર, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમૂલ ફેડરેશનના શ્યામલ પટેલ સહિતના સહકારી આગેવાનો અને એપીએમસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.