નગરપાલિકાના સભાખંડમાં પદાધિકારીઓ સાથે બેઠક; માર્ગો, પાણી અને ડ્રેનેજ સિસ્ટમ જેવા પ્રોજેક્ટ્સની પ્રગતિ તપાસી
ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને આઈ. કે. જાડેજાની ઉપસ્થિતિમાં વોર્ડના પ્રશ્ર્નોની ચર્ચા: ગ્રાન્ટનો પારદર્શી ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે શહેરના વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ ચીફ ઓફિસર અને ટેકનિકલ અધિકારીઓ સાથે સીધો સંવાદ કરી જનસુવિધાના કામોમાં ગુણવત્તા જાળવવા અને નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ શહેરમાં માર્ગોના નવીનીકરણ, પીવાના પાણીની યોજનાઓ અને ડ્રેનેજ સિસ્ટમ જેવા પાયાના માળખાકીય કામોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો મહત્તમ અને પારદર્શી રીતે ઉપયોગ થવો જોઈએ અને વિકાસકામોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વોર્ડના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટે વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા પર ભાર મૂક્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકારના સહયોગથી ધ્રાંગધ્રાના વિકાસને નવી ગતિ મળશે.



