રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં અંદાજિત રૂ. 13 કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત કરીને રાજકોટના લોકોની સુખાકારીમાં ઉમેરો કર્યો હતો.
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે વિકાસની તમામ જરૂરિયાતો પુરી કરવામાં સરકાર હરહંમેશ રાજકોટવાસીઓની સાથે છે. મવડી-વાવડીનો વિસ્તાર રાજકોટના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. રૂ. 6 કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન અને રૂ. 7 કરોડના ખર્ચે રસ્તાઓના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિકાસના કાર્યો દ્વારા આ વિસ્તારના 50000 જેટલા લોકોની સુખાકારીમાં નોંધનીય વધારો થશે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃત મિશન 2.0 અંતર્ગત વેસ્ટ ઝોન વિસ્તાર વાવડી હેડવર્ક માટે પુનીત નગર 80′ રોડ કોર્નેર મોહનેશ્વર મહાદેવ મંદિરથી વાવડી હેડવર્ક સુધી 610 મી.મી. ડાયામીટરની 6.3 મીમી થીક 3-એલ.પી. કોટીંગ એમ.એસ. પાઈપ લાઈન નાખવાનો આજથી શુભારંભ થયો છે. જેનાથી આ વિસ્તારના અંદાજિત 40,000 લોકોને લાભ મળશે.
વાવડી ટી.પી.સ્કીમ નં.-15નાં 15.00 મીટર થી નાના રસ્તા, તપન હાઇટસ પાસેનો રસ્તો, આદર્શ એકઝોટીકા, અલય ગાર્ડનવાળો રસ્તો, રોયલ પાર્ક, વાવડી ગામને લાગુ 15.00 મીટર ટી.પી. સેંડ, મહમદી બાગ વિગેરે વિસ્તારોને આવરી લેતા 80736.00 ચોરસ મીટરમાં રસ્તાને ડામર કાર્પેટ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી આશરે 10000 લોકોને સારા રસ્તાની સુવીધા ઉપલબ્ધ થશે.
- Advertisement -
આ વિસ્તારના લોકો દ્વારા પ્રસ્થાપિત ગણેશ પંડાલના દર્શન કરીને મંત્રી ભાનુબેન બાબરીયા અને ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાતના લોકોની સુખાકારી, શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આ તકે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, અગ્રણી મુકેશભાઈ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ ટીલવા, નીલુબેન જાદવ, કિરણબેન હરસોડા, જયદીપભાઈ કાચા, યોગેન્દ્રસિંહ જાડેજા, ધીરજભાઈ મુંગરા, જયેશભાઈ પંડ્યા, મનસુખભાઈ વેકરીયા, તથા કોર્પોરેટર મિતલબેન લાટીયા સહિતના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.