તંત્રના કર્મચારીઓને ખનિજ માફિયાઓ માટે ‘વિ’ચાર ‘શું’ ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખનિજ ચોરી છેલા ત્રણેક દશકાથી થઈ રહી છે. જેની સામે તંત્ર આજદિન સુધી ક્યારેય આ ખનિજ ચોરીને બંધ કરવા માટેના નક્કર પગલાં ભરી શક્યું નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાનગઢ અને સાયલા પંથકમાં થતી ખનિજ ચોરી અંગે વારંવાર તંત્રને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી રહી છે પરંતુ ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને તંત્રના જ કેટલાક વહીવટીય કર્મચારીઓના ચાર હાથ રહેલા હોવાથી દરોડા થાય તે પૂર્વે જ ખનિજ માફિયાઓને જાણ કરી દેવામાં આવે છે. અહીં વાત કરીએ મૂળી પંથકની તો મૂળી પંથકના વાગડીયા, ખંપાળીયા, ભેટ, દુધઈ, સડલા, ગઢડા સહિતના ગામોમાં સફેદ માટી અને કોલસાની ખનિજ ચોરી થઈ રહી છે જેમાં અહીંના સ્થાનિક વિભાગના બે કર્મચારીઓના “પરાક્રમ”થી ખનિજ માફિયા બેખોફ રીતે ખનિજ ચોરી કરી રહ્યા છે. ખનિજ ચોરી કરતા માફિયાઓને આ વિભાગના બે કર્મચારીઓને પોતાની ફરજ કરતા ખનિજ માફિયાઓની ખાણો અને ખનન અંગે વધુ ધ્યાન હોય છે. દર મહિને બંને કર્મચારીઓ ખનિજ માફીયાઓ પાસેથી વહીવટ કરી એની વિભાગો દ્વારા કરવામાં આવતા દરોડાની માહિતી ખનિજ માફીયાઓ સુધી પહોંચાડવાનું “પરાક્રમ” કરે છે. પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા રહેવાને બદલે ખનિજ માફીયાઓ સાથે ઘરોબો ધરાવતા આ બંને કર્મચારીઓના “વી”ચાર “શું” હસે? માત્ર સામાન્ય રૂપિયાના લાલચે મૂકી પંથકમાં બેફામ સફેદ માટી અને કોલસાની ખનિજ ચોરી શરૂ કરવાની પરમિશન આપી સરકારના કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે. આ વિભાગના બંને કર્મચારી ખનિજ માફીયાઓ સાથે વોટ્સએપ કોલ થકી જોડાયેલા રહે છે પોતાની ફરજ હોવા છતાં વિભાગીય કચેરી કરતા ખનિજ માફિયાઓની ચાલતી ગેરકાયદેસર ખાણો આસપાસ આ કર્મચારીઓ વારંવાર નજરે પડે છે.
ત્યારે હવે ખનિજ માફીયાઓ સાથે ઘરોબો કેળવતા અને ખનિજ ચોરીમાં “પરાક્રમ” કરતા કર્મચારીઓને હવે આવનારા દિવસોમાં “દ્વારકા” વાળા જ સદબુધ્ધિ આપે અને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાથી રાખે તેમાં પોતાની અને અહીંના પર્યાવરણની ભલાઈ છે.



