મૂળીના ઉમરડા ગામે કોલસાનું જ્યારે ધ્રાંગધ્રાના ઈશદ્રા ગામે પથ્થરનું ખનન ઝડપાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગ હવે કેટલાક અંશે સક્રિય થઈને કોલસાના ખનન પર દરોડા શરૂ કર્યા છે તેવામાં ગઈ કાલે મંગળવારે સાંજે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહજતની ટીમ દ્વારા મૂળી તાલુકાના ઉમરડા ગામે સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા કર્યા હતા જે દરમિયાન બે કોલસાની ખાણો પરથી કોલસાનો જથ્થો તથા ચરખી સહજત કુલ સાત લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે જે સ્થળ પર કોલસાની ખાણો ચાલતી હતી તે જમીનની માપણી કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
- Advertisement -
આ તરફ ધ્રાંગધ્રા તાલુકામાં થતા પથ્થરના ગેરકાયદેસર ખનન પર પણ ખાણ ખનિજ વિભાગ અને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીની સંયુક્ત દરોડા કરવામાં આવ્યા હતા જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ઈશદ્રા ગામે સીમ વિસ્તારમાં ચાલતા પથ્થરના ખનન પર દરોડા કરી એક જેસીબી મશીન તથા એક ટ્રક સહિત કુલ પચાસ લાખનો મુદામાલ જપ્ત કરી વાહનો સહિત જપ્ત કરેલ મુદામાલ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.



