હિટાચી મશીન તથા ડમ્પર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનિજ ચોરી પર હવે તંત્રના અધિકારીઓ પોતાની સક્રિયતા દર્શાવી રહ્યા છે એક તરફ પ્રાંત અધિકારીઓ એક બાદ એક ખનિજ ચોરી પર દરોડા અને ખનિજ વહન કરતા વાહનો જપ્ત કરી રહ્યા છે તો બીજી તરફ ખાણ ખનિજ વિભાગના સ્ટાફ પણ સક્રિય થયા છે જેમાં મૂળી તાલુકાના કળમાદ ગામે તળાવમાં ચાલતા સફેદ માટીના ખનન પર સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા દરોડા કર્યા હતા. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર અને તેઓની ટીમ દ્વારા મુળી તાલુકાના કળમાદ ગામે હડમતળા મહાદેવના મંદિરની બાજુમાં આવેલા તળાવમાં ચાલતા સફેદ માટીના ગેરકાયદેસર ખનન પર દરોડો કરી એક હિટાચી મશીન અને બે ડમ્ફર સહિત 1.5 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જે જમીન પર ખનન ચાલતું હતું તેની માપણી કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે.