રોકડ ભરેલો થેલો લઈ બે શખ્સો બાઇકમાં નાસી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક વિસ્તારમાં દિવસ દરમ્યાન ભરબજારમાં લૂંટની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે રહેતા ગુણવંતભાઈ જીવાભાઈ રાઠોડ પોતાનું એક્ટિવા લઈને બેંક ઓફ બરોડામાંથી રૂ. 38,000 ઉપાડી બહાર નીકળ્યા હતા. તે સાથે જ તેમના પરિચિત તથા જેગડવા ગામના દલસુખભાઈ સેલાભાઈ કોળીએ પણ બેંકમાંથી રૂ. 85,000 ઉપાડ્યા હતા. દલસુખભાઈ બહારગામ જવાના હોવાથી તેમણે ઉપાડેલ રૂ. 85,000 પોતાના જેવડા સ્થિત ઘરે પહોંચાડવા માટે ગુણવંતભાઈને આપ્યા હતા.
આ રીતે કુલ રૂ. 1,23,000 રોકડ ગુણવંતભાઈએ થેલામાં રાખી હતી. તે દરમિયાન રાજકમલ ચોક વિસ્તારમાં પહોંચતા જ એક અજાણ્યો શખ્સ અચાનક ગુણવંતભાઈ પાસેથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી લઈ નજીક ઊભેલા બાઈક ચાલકની પાછળ બેસી ફરાર થઈ ગયો હતો.
ગુણવંતભાઈએ બંને શખ્સોનો થોડે દૂર સુધી પીછો કર્યો હતો, પરંતુ બંને શખ્સો ઝડપથી નાશી જતાં તેઓ હાથ લાગ્યા નહોતા. બાદમાં ગુણવંતભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બંને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



