9 કલાકની જટીલ સર્જરી બાદ પીડામુક્ત થઈ બાળકી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના તબીબોએ ફરી એક વખત પોતાની કાર્યક્ષમતા- કાબેલિયતનો પરચો બતાવ્યો છે. 4 વર્ષની કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો છે તેમ જી.સી.આર.આઇ.ના તબીબોએ જણાવ્યું છે.
- Advertisement -
દેશ અને વિશ્ર્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે. ભવનાથની તળેટી જૂનાગઢમાં રહેતા ઝેનાબને જડબાના ભાગમા સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો.
તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ શક્ય હોવાનું જણાવી જી.સી.આર.આઇ. મોકલ્યા હતા.
માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડો. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતાઓ પ્રબળ હતી. જે બાળકીના જીવને જોખમ ઉભુ કરે તેમ હતુ. આ પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કાઢેલા જડબાને પુન:સ્થાપિત કરવું. કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ બનવાની સંભાવના પણ રહેલી હતી. તમામ પરિસ્થિતિ સાથે જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડો. હેમંત સરૈયા, ડો.પ્રીતમ અને કેન્સર સર્જન ડો. ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું હતું.
- Advertisement -
તેઓએ સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્ર્વાસ માટેની હંગામી વ્યવસ્થા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખાવમાં આવ્યું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી.
9 કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો. હવે તે પીડામૂક્ત થઇ નીરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમય બાદ નવા દાંત પણ નાંખવામા આવશે.
આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. તેઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇ.ના તબીબોનો 8 થી 10 લાખ જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ લાગણીસભર આભાર માન્યો હતો.