ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે સૂર્યઘર વીજળી યોજના હેઠળ સોલાર પેનલ લગાવેલા ઘરની વાવોલ ખાતે મુલાકાત કરી હતી અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે તેઓ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનુ લોકાર્પણ કર્યું છે. આ લોકાર્પણ વેળાએ વડાપ્રધાન મોદી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. વડાપ્રધાને મેટ્રો ટ્રેનમાં સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરી હતી આ દરમિયાન તેમણે ટ્રેનમાં બાળકો સાથે મુક્તમને વાતો પણ કરી હતી.
- Advertisement -
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્ર્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર રૂ.35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું રૂ. 415થી પણ વધારે થાય છે.
અમદાવાદમાં સભા: PM મોદી GMDC ગ્રાઉન્ડ પર પહોંચ્યા
- Advertisement -
વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ 15 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે 16 સપ્ટેમ્બરના અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન 8000 કરોડથી વધુનાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ માટે તેઓ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. આ દરમિયાન PM મોદી કારમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતાં ઝીલતાં મુખ્ય સ્ટેજ સુધી પહોંચશે. આ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. મુખ્ય સ્ટેજ ઉપર મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, ઋષિકેશ પટેલ સહિતના શહેર પ્રમુખ અમિત શાહ, અમદાવાદનાં ધારાસભ્યો અને સાંસદ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.પૂર્વ મંત્રી રાઘવજી પટેલને પણ મુખ્ય સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે.