20 દિવસ પહેલાં ખોદી નાખ્યો હોય પ્રવાસી અને પ્રજાએ પસાર થવું કઠીન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાંથી પસાર થતો સાસણગીર-સોમનાથ મુખ્ય માર્ગ નવનિર્મિત બનાવવા 20 થી 25 દિવસ પહેલા ખોદી નાંખ્યા બાદ માર્ગ નવનિર્મિત બનાવવાની કામગીરી ઠપ્પ થતાં રાહદારીઓએ પસાર થવું કઠીન બની ગયું છે.માર્ગ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે.
- Advertisement -
આ અંગેની વિગત એવી છે કે તાલાલા ગીરથી સાસણગીર નવનિર્મિત માર્ગ બની રહ્યો છે.આ પૈકી તાલાલા શહેરમાં સરદાર ચોકથી ખાંડ ફેકટરી સુધી નગરનો મુખ્ય માર્ગ સી.સી.રોડ બનાવવા આખો માર્ગ ખોદી નાખ્યો છે ત્યારબાદ માર્ગ ઉપર મેટલીંગ કરી કામગીરી આગળ વધારવાના બદલે અટકી ગઈ છે.માર્ગ ઉપર કમોસમી વરસાદના પાણી ભરાયેલા હોય આખાં માર્ગ ઉપર કાદવ કીચડ જામી ગયો છે પરિણામે માર્ગ ઉપરથી પસાર થવું રાહદારીઓ માટે કઠીન બની ગયું છે.નગરના આ માર્ગ ઉપરથી સાસણગીર અને સોમનાથ આવતા અગણિત પ્રવાસીઓ ઉપરાંત હજારો લોકો દરરોજ પસાર થાય છે.ખોદી નાખેલ માર્ગ કાદવ કીચડ થી ભરાઈ ગયો હોય પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ થઈ ગયા છે.ખોદી નાખેલ આખા માર્ગની કામગીરી વહેલાસર શરૂ કરી પ્રજા અને પ્રવાસીઓની મુશ્કેલી દૂર કરવા બાંધકામ વિભાગ તુરંત ઘટતું કરે તેવી લોક માંગણી ઉઠી છે.
માર્ગથી પસાર થવા પડતી મુશ્કેલી દૂર કરશું: બાંધકામ વિભાગ
તાલાલા નગરનો ખોદી નાખેલ આખા માર્ગ ઉપર મેટલીંગ કરવું પડે તેમ છે.મેટલીંગ કામની સરકારમાં મંજૂરી માંગી છે.ત્રણ થી ચાર દિવસમાં મેટલીંગ કામની મંજૂરી મળ્યા બાદ માર્ગની કામગીરી તુરંત શરૂ થશે અત્યારે માર્ગ ઉપરથી પસાર થવા પડતી મુશ્કેલી દૂર કરવા જરૂરી કામગીરી કરવા કોન્ટ્રાકટર ને સુચના આપશું તેમ બાંધકામ વિભાગના સુત્રોએ જણાવ્યું છે.



