આર્જેન્ટિનાએ જમૈકાને 3-0થી હરાવ્યું, મેસ્સીના બે ગોલ
30 મિનિટમાં ત્રણ વખત પ્રેક્ષકો મેદાનમાં ઘૂસી ગયા
- Advertisement -
આર્જેન્ટિના કતારમાં રમાનારા વર્લ્ડકપમાં પ્રબળ દાવેદાર
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર આર્જેન્ટિનાના સુકાની લાયોનલ મેસ્સીએ ઇન્ટરનેશનલ કારકિર્દીમાં પોતાનો 100મો વિજય હાંસલ કર્યો છે. તેની ટીમે જમૈકાને 3-0થી હરાવીને પોતાનો સતત 35મો વિજય મેળવ્યો હતો. ફૂટબોલમાં સતત મેચ જીતવાના મામલે હવે આર્જેન્ટિના ઇટાલીની (37) નજીક પહોંચી ગયું છે. આર્જેન્ટિના ચાલુ વર્ષે કતાર ખાતે રમાનારા વર્લ્ડકપમાં પ્રબળ દાવેદાર તરીકે રમશે. મેસ્સીએ જમૈકા સામે બે ગોલ કર્યા હતા. 164 ઇન્ટરનેશનલ મેચમાં મેસ્સીના હવે 90 ગોલ થયા છે. તે હાઇએસ્ટ ગોલ કરવાના મામલે ત્રીજા ક્રમે આવી ગયો છે. મેસ્સીએ મલેશિયાના મુખ્તાર દહારીને (89) પાછળ રાખી દીધો હતો. મેસ્સીની આગળ હવે ઇરાનનો ભૂતપૂર્વ ખેલાડી અલી ડેઇ(109) અને પોર્ટુગલનો વર્તમાન સુકાની ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (117) છે.
100મી મેચમાં મેસ્સીના બે ગોલ
મેસ્સીએ આર્જેન્ટિના માટે છેલ્લી ત્રણ મેચમાં નવ ગોલ નોંધાવ્યા છે. તે જમૈકા સામેની મેચમાં 56મી મિનિટે મેદાનમાં ઊતર્યો હતો ત્યારે તેની ટીમ 1-0થી આગળ હતી. મેસ્સીએ મેચ પૂરી થવામાં ચાર મિનિટ બાકી હતી ત્યારે 86મી મિનિટે ગોલ કર્યા બાદ 90મી મિનિટે પોતાનો બીજો ગોલ કરીને ટીમને 3-0થી વિજય અપાવી દીધો હતો. મેચમાં મેસ્સીનો એટલો બધો ક્રેઝ હતો કે 30 મિનિટની અંદર ત્રણ વખત પ્રેક્ષકો મેદાનમાં ઘૂસી ગયા હતા જેના કારણે રમતને કેટલાક સમય સુધી બંધ રાખવી પડી હતી. મેસ્સીએ પ્રથમ ગોલ કર્યો ત્યારે એક સમર્થક મેસ્સી પાસે પહોંચી ગયો હતો અને સ્ટાર ખેલાડીએ તેની પીઠ ઉપર ઓટોગ્રાફ આપ્યો હતો.